4 દિ’માં 1137 સહાય ફોર્મ ઉપડ્યા!
કોરોનાથી થયેલાં મૃત્યુઆંકનું હવે સત્ય બહાર આવશે?
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના પરિવારજનોને સહાય આપવામાં આવશે. આ માટે છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં મોટી સંખ્યામાં પરિવારજનો ફોર્મ ભરવા માટે મનપા કચેરીએ આવી રહ્યા છે. મનપાના ચોપડે સત્તાવાર શહેરમાં 458 મોત બાવવામાં આવ્યા છે જ્યારે સહાય માટેના 1028 ફોર્મ ચપોચપ ઉપડી ગયા છે. જ્યારે કલેક્ટર કચેરીનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં પણ ગઈકાલથી આ સહાય ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે અને ગઈકાલ અને આજના દિવસમાં જ અહીંથી કુલ 109 સહાય ફોર્મનું વિતરણ થયું છે એટલે મનપા અને કલેક્ટર કચેરીએથી વિતરણ થયેલાં સહાય ફોર્મનો કુલ આંકડો 1137 થાય છે. એટલે કે મૃત્યુ કરતા ફોર્મ બેથી વધુ ગણા ચાર દિવસમાં ઉપડ્યા છે. આમાં કોરોનાથી કેટલા મોત થયા તે સત્ય બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, મનપા કચેરીમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સહાય ફોર્મ વિતરણ શરૂ તો કરાયું પરંતુ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે. અમુક લોકોને તો બે-બે દિવસ ધક્કા ખાધા બાદ પણ ફોર્મ મળ્યું નથી.
ત્યારે કલેક્ટર કચેરીનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં ફોર્મ વિતરણ વ્યવસ્થા ગઈકાલ સોમવારથી શરૂ કરાઈ છે. જ્યાં ગઈકાલે પ્રથમ દિવસે 60 ફોર્મનું વિતરણ કરાયું હતું તો આજે મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 49 જેટલાં ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે એટલે કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં બે દિવસમાં 109 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં કોવિડના મૃતક દર્દીઓનું પ્રમાણપત્ર આપવા માટે ચાલતા ફોર્મ વિતરણમાં આજે પણ લોકોની ભીડ જોવા મળી હતી. મનપા હજુ આ સાદા ફોર્મ ઓનલાઇન મુકવા વિચારી રહી છે. ત્યારે લોકોને ધક્કા ખાવાને બદલે આ સામાન્ય ફોર્મની ઝેરોક્ષ કરાવી લેવાનો અનુરોધ પણ તંત્ર વાહકોએ કર્યો છે. છેલ્લા ચાર દિવસમાં મનપામાંથી આવા 1028 ફોર્મ ઉપડ્યા છે.
- Advertisement -
મહાપાલિકા કચેરીમાં સહાય ફોર્મ લેવા માટે લાઈનો લાગી : લોકોને ધક્કા ખાવાને બદલે સામાન્ય ફોર્મની ઝેરોક્ષ કરાવી લેવા મનપા તંત્ર વાહકોનો અનુરોધ, ફોર્મ ઓનલાઈન મૂકવાની પણ વિચારણા



