ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. રવિવારે મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર(પુરુષ)-33, ફીમેલ હેલ્થ વર્કર(ફક્ત સ્ત્રીઓ માટે)-52, મેડિકલ ઓફિસર-7, લાઈનમેન-33, લેબ.ટેક્નિશિયન-15 અને સ્ટાફ નર્સ-5ની રાજકોટના જુદા-જુદા કુલ-20 કેન્દ્રો ખાતે પરીક્ષા લેવામાં આવી, આ લેખિત પરીક્ષામાં કુલ 20,401 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 11,269 ઉમેદવારોએ હાજર રહીને લેખિત પરીક્ષા આપી હતી અને 9132 ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.
શનિવારે ફાર્મસિસ્ટ-17, ફિલ્ડ વર્કર-27ની લેખિત પરીક્ષા કુલ-6 કેન્દ્રો ખાતે લેવામાં આવી. આ લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો-4373 નોંધાયા હતા, જે પૈકી 2990 ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવી હતી અને 1383 ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારોને પરીક્ષા સમયના 1 કલાક પહેલા પરીક્ષાખંડમાં સંપૂર્ણ વીડિયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવી તેમજ પરીક્ષાખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ, કેલ્ક્યુલેટર અને સ્માર્ટ વોચ સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવી હતી. લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકાશે.