કંડલામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન
150 એકર જમીન પર 50 વર્ષથી બંધાયેલા 600 જેટલાં કાચાં-પાકાં દબાણો હટાવાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ કંડલા
દેશ-વિદેશમાં જાણીતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. 50 વર્ષથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો પર આખરે પોર્ટ તંત્રએ ગઈકાલે બુલડોઝર ફેરવી દીધું હતું. પોલીસ અને ઈઈંજઋના સહયોગથી કચ્છના સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહીથી એક જ દિવસમાં 600 જેટલાં કાચાં-પાકાં દબાણો તોડી પડાયાં હતાં. આમ અંદાજે 400 કરોડની 150 એકર જમીનને દબાણમુક્ત કરાઈ હતી. આ ડિમોલિશનના પગલે ઝૂંપડપટ્ટીમાં રહેતાં અંદાજે સાડા પાંચેક હજાર લોકોને રાતોરાત ઉચાળા ભરવાનો વારો આવ્યો છે.
કંડલામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતા પ્રશ્ર્નો સતત ઊભા થઈ રહ્યા હતા, ત્યારે અહીં ક્રિકમાં સતત વધતાં જતાં ઝૂંપડાઓ અને દબાણો એક મોટો પ્રશ્ર્ન દશકાઓથી બનેલો હતો. વારંવાર તેમને અહીંથી હટી જવા માટે જાણ કરાઈ હતી, પરંતુ કોઇ કાર્યવાહી થઈ નહોતી, ત્યારે વર્ષોથી આ પ્રશ્ર્ન અટકેલો હતો. ત્યારે નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઇ હતી. કંડલામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સમુદ્રી ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર અંદાજે 150 એકર જમીન પર ગેરકાયદે બની ગયેલી બન્ના ઝૂંપડપટ્ટીને હટાવવા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી.
1998માં આવેલા ભયાનક વાવાઝોડામાં હજારો લોકો મોતને ઘાટ ઊતર્યા ત્યારે પ્રશાસન દ્વારા કંડલામાં રહેણાક માટે જગ્યા ન હોવાનું ઘોષિત કરીને અહીં વસેલી આખી સતાવાર કોલોનીઓ ખાલી કરી તમામને ગાંધીધામ શહેરમાં વસાવ્યા હતા, પરંતુ આ ઝુપડાઓ હટાવી શકાયા નહોતા. ત્યારે ગત 1લી સપ્ટેમ્બરના પોર્ટ પ્રશાસને દબાણ હટાવો નક્કરતાપૂર્વક કરાશે તેવી ચીમકી અને નોટિસ તમામને આપવામાં આવી હતી. ગઈકાલે દબાણ હટાવોના એક દિવસ પહેલાં પણ આગેવાનોએ કરેલા સંપર્કોમાં આ અંગે સ્પષ્ટતા કરાઈ હતી. આ પગલાથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવામાં સહાયતા મળશે તેમ પોર્ટ પ્રશાસને જણાવ્યું હતું. આ કાર્યવાહી સમયે પોર્ટ ચેરમેન સંજીવ સિંઘ, ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ડેપ્યુટી ચીફ ઈજનેર શ્રીનિવાસ, મનોજ ગોહિલ, જનસંપર્ક અધીકારી અને ટ્રેડ પ્રમોટર ઓમપ્રકાશ દાદલાણી, સીઆઈએસએફના સિનિયર કમાન્ડર અંસારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
અઢી કિલોમીટરનો પટ્ટો સાફ કરી નાખ્યો
ગુરુવારે સવારે 6 વાગ્યાથી બુલડોઝર અને જેસીબી સાથે આવી પહોંચેલા પોર્ટ પ્રશાસન, પોલીસ અને ઈઈંજઋ દ્વારા દબાણ હટાવ કામગીરી શરૂ કરીને અંદાજે અઢી કિ.મી.નો પટ્ટો સાફ કરી નાખ્યો હતો. જેમાં 600 જેટલાં ઝૂંપડાં તોડવામાં આવ્યાં, જેમાં અંદાજે ત્રણથી પાંચ હજાર લોકો વસવાટ કરતા હતા. ખુલ્લી થયેલી જમીનની કિંમત 400 કરોડથી વધુની હોવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે.
મોટાભાગના આરોપીઓ અહીંથી જ સંકળાયેલા: SP
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે આ કાર્યવાહી કોસ્ટલ સુરક્ષા દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જેટલી અહીં ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હતી જેમ કે પાઈપલાઈનને નુકસાન, ઓઈલ ચોરી, ઓટીબીમાંથી ચોરી તે તમામના આરોપી બન્ના ઝૂંપડાં અને ઈફ્કો ઝૂંપડાં વિસ્તારના જ આરોપીઓ દ્વારા કરતા હોવાનું વારંવાર સામે આવતું હતું. જેથી તમામ દૃષ્ટિકોણથી આ કાર્યવાહી સમયની માગ હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને પોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દબાણો દૂર કરવામાં આવ્યાં છે.
6 હજાર ફુડ પેકેટ્સ, 200 શ્રમિકને કામે લગાવાયા
આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે જેમના ઘર તૂટે છે તેમના ભોજનની વ્યવસ્થા પણ કંડલા પોર્ટે 6 હજાર ફૂડ પેકેટ્સ દ્વારા કરી હતી. તો સામાન જે બહાર ખડકાયો, તેને માદરે વતન પહોંચાડવા 200 શ્રમિકો અને ટ્રેક્ટરોને કામે લગાવ્યા હતા. આ તમામ પરિસ્થિતિ જોતા લોકોને જેમના તેમ મૂકી ન દેવાયા હોવાનું અને મદદરૂપ થયા હોવાનું સામે આવ્યું હતું.