રાજકોટમાં ટ્રકે બ્રેક મારતાં બે કાર પાછળ ઘૂસી ગઈ, પાછળ આવતું ડમ્પર અથડાતાં બન્ને કાર પડીકું
પિતા-પુત્ર સહિત ચારના મોત: લોકોએ દરવાજા તોડી મૃતદેહો બહાર કાઢ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-અમદાવાદ હાઈવે ફરી એક વખત રક્તરંજીત બન્યો છે. હાઈવે પર માલિયાસણ ગામ નજીક ઓવરબ્રિજ પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં રાજકોટ તરફ આવી રહેલા મહારાષ્ટ્ર પાસીંગના ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતાં તેની પાછળ બે કાર આવી રહી હોય બન્ને ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. બાદમાં પાછળ આવતા ડમ્પર બન્ને કાર પાછળ ઘૂસી જતા બન્ને કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આ બંને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.
આજે સવારે રાજકોટ તરફ આવી રહેલા એમએચ.13.ઇએફ.6045 નંબરના ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની એસેન્ટ કાર જીજે.03.બીએ.2032 તથા મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની બલેનો કાર જીજે.13.એઆર.7353 ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે આ બંને કાર પાછળ ડમ્પર આવતું હોવાથી તે પણ કાર પાછળ અથડાતાં બને કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે એક યુવાનને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહીં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ પામનારનું નામ હિરેનભાઇ વશરામભાઇ સગપરિયા (ઉં.વ.45) હોવાનું અને તેઓ રાજકોટ મનહરપ્લોટ-14માં રહેતાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભરતભાઇ ખીમજીભાઇ સોલંકી (ઉં.વ.48), તેમનો પુત્ર પાર્થ ભરતભાઈ સોલંકી (ઉં.વ.20) સહિતના ચાર લોકો કાર લઈને ચોટીલા બીજ નિમીતે દર્શન કરવા ગયા હતા. પરત આવતી વખતે આ અકસ્માત થયો હતો. જેમાં હિરેનભાઈનું રાજકોટ તથા પાર્થનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક સુરેન્દ્રનગરના મૃતક હેમેન્દ્રસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે.