ગુજરાતે 72 હજાર કરોડનો ટેકસ સરકારની તિજોરીમાં ઠલવીને સમગ્ર દેશમાં 7મો ક્રમ મેળવ્યો !
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર્રમાં રાજકોટ સહિત શહેરો અને નાના નગરો પણ રોજગાર-ધંધામાં વિકસિત થયેલા છે. રાજકોટ શહેરની નજીક અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. એટલે કે વેપાર-વણજ ક્ષેત્રે સૌરાષ્ટ્ર્ર આગવું સ્થાન ધરાવે છે, પરંતુ જે રીતે ઉદ્યોગપતિઓ આવક કરી રહ્યા છે, તે પ્રમાણે ઈન્કમ ટેક્સની આવક થતી નથી. આથી રાજકોટ ઈન્કમટેક્સ રિજનને 3900 કરોડનો આવક વેરો વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્કમટેક્સ વસુલાતમાં અગ્રેસર રહેતા રાજકોટ રિજનને આ વર્ષે 400 કરોડની વૃધ્ધિ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં નવો ટાર્ગેટ 2735 કરોડ વ્યકિતગત કરદાતાઓ અને 1965 કરોડ કોર્પેારેટ કંપનીઓ માટે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. બે વર્ષના લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર્રના વેપાર-રોજગારની ગાડી સડસડાટ ચાલી રહી છે. ગત વર્ષે રેકોર્ડબ્રેક ઈન્કમટેકસ કલેકશન બાદ નવા વર્ષનો ટાર્ગેટ રાજકોટ આવકવેરા વિભાગને મળ્યો છે. કોરોનાકાળમાં રાજકોટવાસીઓ આવકવેરો ચૂકવવામાં અગ્રેસર રહ્યા હતા. આ સંકટભર્યા સમયમાં ગુજરાતીઓએ રૂા.61 હજાર કરોડના ટાર્ગેટ સામે 72 હજાર કરોડનો ટેકસ સરકારની તિજોરીમાં ઠલવીને સમગ્ર દેશમાં 7મો ક્રમ મેળવ્યો હતો.