રાજકોટના 24 ડેમોમાં નવા નીરની આવક
સૌરાષ્ટ્રના બે ડેમ ઓવરફ્લો, સૌથી ઓછું પાણી કચ્છમાં
- Advertisement -
રાજ્યના અન્ય 194 ડેમોમાં 70% કરતાં ઓછું પાણી: ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
ગુજરાતમાં વરસાદને પગલે સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં 39.06 ટકા પાણીનો સંગ્રહ થયો છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી બે ડેમો સંપૂર્ણ છલકાતાં હાઈએલર્ટ મોડ અપાયું છે આ સિવાય 80થી 90 ટકા પાણીનો સંગ્રહ છે તેવા પાંચ ડેમોમાં એલર્ટ જ્યારે 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે તેવા પાંચ ડેમો વોર્નિંગ મોડ ઉપર છે. રાજ્યના અન્ય 194 ડેમોમાં 70 ટકા કરતાં ઓછું પાણી છે. નર્મદા, જળ સંપત્તિ વિભાગના રિપોર્ટ પ્રમાણે સરદાર સરોવર ડેમમાં અત્યારે 50.01 ટકા પાણીનો સંગ્રહ થયો છે, ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પણ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 40.12 ટકા પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 34.78 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 25.67 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 24.80 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં સૌથી ઓછું પાણી કચ્છના ડેમોમાં છે, અહીંના 20 ડેમોમાં 22.20 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
ઉત્તર ગુજરાતના ડેમોમાં વાપરવા લાયક પાણીનો સંગ્રહ એટલે કે જીવંત જથ્થો 19.67 ટકા, મધ્ય ગુજરાતમાં 36.65 ટકા, દક્ષિણ ગુજરાતમાં 28.48 ટકા જ્યારે કચ્છમાં 16.81 ટકા જેટલો છે. સૌરાષ્ટ્રના બે ડેમો સિવાય ગુજરાતમાં એક પણ ડેમ સંપૂર્ણ રીતે છલકાયું નથી. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે, ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું છે. આ સિવાય ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફડ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી 3 ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઈ છે. ત્યારે આ વર્ષે રાજકોટવાસીઓને પાણીની સમસ્યા નહીં રહે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી, તાપી, સુરત, નર્મદા, ડાંગ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
- Advertisement -
અમદાવાદ હવામાન વિભાગે ખેડા, અમદાવાદ,નવસારી, સુરતમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના પગલે નદી-નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે શામળાજી પાસે મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી મેશ્વો નદીમાં નવા નીર આવ્યા છે. મેશ્વો નદીમાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે. તેમજ મેશ્વો નદી બે કાંઠે થતા જળાશયમાં પાણીની આવક નોંધાય છે. મેશ્વો નદી સીઝનમાં પ્રથમ વખત બે કાંઠે થઈ છે.