અજઈં નિતેશકુમાર ઠક્કર 1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા, હવે સમાજસેવાનો સંકલ્પ
ભાસ્કર અપહરણ કેસ, સ્ટોન કિલર કેસ અને ઓસ્ટ્રેલિયન બોગસ વિઝા કેસ જેવા અનેક ગુનાના ભેદ ઉકેલ્યા
- Advertisement -
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને આર્થિક ગુના નિવારણ શાખામાં દોઢ દાયકા અને અઢી વર્ષ સુધી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવી
જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક ટુર્નામેન્ટમાં ભાગ લઇ રમતગમત ક્ષેત્રે પણ ગૌરવ મેળવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહેનત, ઈમાનદારી અને પ્રામાણિકતા આ ત્રણ શબ્દ એસ.આઈ. નિતેશકુમાર ઠક્કરની આખી પોલીસ કારકિર્દીનું પ્રતિબિંબ છે. રાજકોટ શહેર પોલીસના કર્મઠ અને કુશળ પોલીસકર્મી તરીકે ઓળખાતા નિતેશકુમાર ઠક્કર 30 નવેમ્બર 2025ના રોજ નિવૃત્ત થયા છે. 1989માં સ્પોર્ટ્સ ક્વોટામાં પોલીસ વિભાગમાં જોડાયેલા ઠક્કરે બરોડા ખાતે કઠોર તાલીમ મેળવી અને ત્યારબાદ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી પોતાની કાર્યનિષ્ઠાનો પ્રભાવશાળી દાખલો પુરો પાડ્યો. બાસ્કેટબોલ અને ફૂટબોલ પ્લેયર તરીકે પણ તેમની ઓળખ ખાસ રહી છે. જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક ટુર્નામેન્ટમાં નિતેશકુમાર પોલીસ વિભાગ તરફથી વેસ્ટઝોન અને ઓલ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં ભાગ લઇ રમતગમત ક્ષેત્રે પણ ગૌરવ મેળવ્યું હતું.
ફરજ દરમિયાન તેમના નામ સાથે ઘણી મોટી સિદ્ધિઓ જોડાયેલી છે. તેઓએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને આર્થિક ગુના નિવારણ શાખામાં દોઢ દાયકા કામગીરી કરી છે. ભાસ્કર અપહરણ કેસ, મર્કન્ટાઈલ કો-ઓપ બેંક ઉચાપત પ્રકરણ, સ્ટોન કિલર કેસ અને ઓસ્ટ્રેલિયન બોગસ વિઝા કેસ જેવા અનેક ચર્ચિત ગુનાઓના ભેદ ઉકેલીને તેઓએ પોલીસ વિભાગમાં પોતાનું સ્થાન અડગ કર્યું. આ સાથે તેમણે અઢી વર્ષ સુધી એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરજ બજાવી ઇમાનદારીના ધ્વજને ઉંચો રાખ્યો. તેમની કારકિર્દી દરમ્યાન મેળવેલા પ્રશંસાપત્રો અને 400થી વધુ સેવા-ઇનામો તેમના ઉત્કૃષ્ટ કાર્ય અને સિદ્ધિઓના સાક્ષી છે. રાજકોટ પોલીસ વિભાગ માટે નિતેશકુમાર ઠક્કરની નિવૃત્તિ એક મોટી ખોટ સમાન છે, પરંતુ આનંદની વાત એ છે કે તેઓ નિવૃત્તિ પછી પણ સમાજ માટે સેવાભાવનું કાર્ય ચાલુ રાખશે. નિતેશકુમાર ઠક્કરની કારકિર્દી યુવા પેઢી માટે પ્રેરણાનું સ્ત્રોત છે કઠોર પરિશ્રમ, સંકલ્પ અને પ્રામાણિકતા હોય તો કોઈપણ ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે.
તેમની જીવનયાત્રા એ સાચો સંદેશ આપે છે કે ફરજ પુરી થયા પછી પણ સેવા બંધ નથી થતી ‘સેવા એ જીવન છેમ’. રાજકોટ પોલીસ પરિવાર અને સમગ્ર સમાજ તેમની ભાવિ સેવા પ્રવૃત્તિઓ માટે શુભેચ્છા પાઠવે છે.



