પોલીસ પહોંચે તે પૂર્વે નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ
રાજકોટ રૂરલ LCBનો પાટીદળમાં દરોડો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો અને નશાખોરો સક્રિય બનતા હોય છે અને દારૂની હેરાફેરી શરૂ થઈ જતી હોય છે ત્યારે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજકોટ રૂરલ LCBએ ગોંડલ તાલુકાના પાટીદળ ગામની સિમ વિસ્તારમાં દરોડો પાડી મકાનમાં સંતાડેલો 26 લાખનો 350 પેટી દારૂનો જથ્થો પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા SP હિમકરસીંહની સૂચના અન્વયે રૂરલ LCB PI વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહીલ અને સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો
દરમિયાન એલ.સી.બી. શાખાના જમાદાર અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ તથા મહિપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે ગોંડલ તાલુકાના પાટીદળ ગામમાં હાઇબોન્ડ જવાના રસ્તે 100 વારીયા પ્લોટ વિસ્તારમાં આવેલ પડતર મકાનમાં અજય ઉર્ફે પંકજ જેન્તીભાઇ મકવાણાએ વેચાણ અર્થે ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે એ જગ્યા પર દરોડો પાડતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 350 પેટીઓ, 6792 નાની મોટી બોટલો મળી આવતા 26,03,208નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે પાટીદળ ગામનો અજય ઉર્ફે પંકજ જેન્તીભાઇ મકવાણા હાજર નહિ મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.