એકના એક પુત્રના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આજી ડેમ પાસેના યુવરાજનગરમાં ઘોડિયામાં સૂતેલા 35 દિવસના બાળકને બિલાડીએ ગળા પર બચકાં ભરી લીધાં હતાં. લોહીલુહાણ હાલતમાં બાળકનું થોડી જ મિનિટોમાં મૃત્યુ થયું હતું બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. રાજકોટના યુવરાજનગરમાં રહેતા 35 દિવસના જયપાલ ઘુઘાભાઇ જાદવને રવિવારે બપોરે ગળે ઇજા થયેલી હાલતમાં બેભાન હાલતમાં બાળકોની હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે બાળકને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે જાણ કરાતાં આજી ડેમ પોલીસની ટીમ પણ હોસ્પિટલે દોડી ગઇ હતી પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે ઘુઘાભાઇ ચોટીલાના તરકિયા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા.
- Advertisement -
બપોરે ઘુઘાભાઇના માતા હેમીબેન આજી ડેમ નજીક નદીએ કપડાં ધોવા ગયા હતા. ઘરમાં હેતલબેન અને તેનો 35 દિવસનો પુત્ર જયપાલ બે જ હાજર હતા જયપાલ ઘોડિયામાં સૂતો હતો તે વખતે જ અચાનક બિલાડી ધસી આવી હતી અને ઘોડિયામાં સૂતેલા માસૂમ જયપાલના ગળા પર ત્રાટકી હતી. ફૂલ જેવા જયપાલના ગળે બિલાડીએ બચકાં ભરી લેતાં બાળક લોહીલુહાણ થઇ ગયો હતો અને તે વખતે જ બેભાન થઇ ગયો હતો. થોડીવાર બાદ હેતલબેન ઘોડિયા પાસે પુત્ર જયરાજને જોવા આવ્યા તો તે સ્તબ્ધ થઇ ગયા હતા. માસૂમ જયપાલને જોતા જ દેકારો મચાવી દેતાં લોકો એકઠા થઇ ગયા હતા અને જયપાલને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ત્યાં સુધીમાં માસૂમ જયપાલનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું એકના એક પુત્રના આકસ્મિક મૃત્યુથી જાદવ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.



