મુખ્ય ચૂંટણી અધિકારીને વિગતો આપતા કલેકટર
ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત વિશેષ ખર્ચ નિરીક્ષક બી. મુરલીકુમારના અધ્યક્ષસ્થાને તથા રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની ઉપસ્થિતિમાં આજે રાજયના તમામ ખર્ચ નિરીક્ષકોની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ જિલ્લામાં 8 વિધાનસભા વિસ્તારોમાં કરાયેલી કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં 22 અને શહેરમાં 11 મળીને 33 પોલીસનાકા કાર્યરત કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા એક કરોડથી વધુની રકમનું સોનું જપ્ત કરાયું છે, જે અંગે હાલ ઈન્કમટેકસની ટીમ તપાસ કરી રહી છે. જયારે જ.ઘ.ૠ. દ્વારા 48.5 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. શહેર તથા ગ્રામ્યમાંથી આશરે 30.40 લાખની રકમનો દારૂ જપ્ત કરાયો છે. અત્યાર સુધીમાં 43 બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ધ્યાનમાં આવ્યા છે, જેના પર ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ તપાસ થઈ રહી છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં નાકાઓ પર ટીમ સક્રિય છે તેમજ એરપોર્ટ પર સામાનનું ચેકીંગ પણ કરાઈ રહ્યું છે, સાથે ઇન્કમટેક્સની ટીમ મૂકવામાં આવી છે. જયારે રેલવે સ્ટેશન પર પણ 3 સ્કેનર મૂકવામાં આવ્યા છે.