ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વર્ષ 2025-26 માટેનું કુલ 322.76 લાખનું અંદાજપત્ર રજૂ કરાયું. આ વર્ષનું બજેટ 27.60 લાખના પૂરાંત સાથે રજૂ થયું છે, જે ગત વર્ષ 2024-25 ની સરખામણીમાં 10.45 લાખ ઓછી પૂરાંત ધરાવે છે અને 31.94 લાખનો કુલ ઘટાડો દર્શાવે છે.
જિલ્લા પંચાયત દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં મુખ્યત્વે ગ્રામ્ય પંથકના વિકાસ માટે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સનો સમાવેશ કરાયો છે. ખાસ કરીને, પોરબંદર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રોડ-રસ્તાઓના નિર્માણ, મરામત અને સમારકામ માટે ભંડોળ ફાળવાયું છે. સાથે સાથે, પાઈપલાઈન અને પાણી પુરવઠાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગામડાઓમાં ગટર વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે પણ આંદાજિત ફાળવણી કરવામાં આવી છે, જેથી સ્થાનિક જનતા માટે આરોગ્યપ્રદ પર્યાવરણ ઉભું કરી શકાય.
- Advertisement -
ગત વર્ષોના બજેટની સરખામણી
વર્ષ 2025-26: 322.76 લાખનું અંદાજપત્ર, 27.60 લાખની પૂરાંત
વર્ષ 2024-25: 354.70 લાખનું અંદાજપત્ર, 38.05 લાખની પૂરાંત
વર્ષ 2023-24: 315 લાખનું અંદાજપત્ર, 28.28 લાખની પૂરાંત. આ વિતરણ પરથી સ્પષ્ટ થાય છે કે 2025-26 માટે ફાળવાયેલું બજેટ ગત વર્ષ કરતા ઓછું છે. જેના કારણે વિકાસકામોની ગતિ પર અસર થઈ શકે છે.
બાંધકામ વિભાગના અધિકારીઓને ચેરમેની ટકોર
આ બેઠક દરમિયાન બાંધકામ વિભાગની કામગીરી અંગે સભ્યોમાં નારાજગી જોવા મળી. સભ્યો દ્વારા જણાવાયું કે વિભાગ દ્વારા કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને અધિકારીઓ યોગ્ય જવાબદારી નથી નિભાવી રહ્યા. કારોબારી ચેરમેને આ અંગે કડક ટકોર કરતા બાંધકામ વિભાગના અધિકારીઓએ ભવિષ્યમાં કાર્યક્ષમતા દાખવવાની ખાતરી આપી. ઉપરાંત, જિલ્લા પંચાયતના પ્રમુખે પણ અધિકારીઓને તાકીદ કરી કે વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે.