પોરબંદરનાં દરિયા કિનારે સેલ્ફી લેતા જામનગરનાં 3 તણાયા, 2 મહિલાને બચાવાઈ : બાળક લાપતા
ખાસ-ખબર સંવાદદાતા
આજકાલ સ્માર્ટફોનમાંથી સેલ્ફી લેવાનો અને રિલ્સ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધ વ્યક્તિ પણ સેલ્ફી લેતા અને રિલ્સ બનાવતા જોવા મળી રહ્યા છે. પરંતુ સેલ્ફી લેવાના કે રિલ્સ બનાવવાના ચક્કરમાં ગંભીર ઈજા કે મૃત્યુ થવાના કિસ્સામાં પણ વધારો થયો છે. સોશિયલ મીડિયા પર વિવિધ પોઝની સેલ્ફી કે રિલ્સ અપલોડ કરવાનો ક્રેઝ કઈ રીતે જીવલેણ સાબિત થાય છે તે આજે બનેલી એક ઘટના પરથી જાણી શકાય છે. પોરબંદરના સમુદ્ર કિનારે બે મહિલા અને એક બાળક સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તોફાની મોજાં આવતા તેમા આ ત્રણ લોકો તણાયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળો પહોંચી હતી. આ ઘટનામાં બે મહિલાઓને પરિવારજનોએ બચાવી લીધી હતી જ્યારે બાળકની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસપણ કુછડી ગામે પહોંચી હતી. અને જામનગરના પરિવાર અંગે પ્રાથમિક માહિતી મેળવવાની શરૂઆત કરી હતી. આ ઘટનાને પગલે આનંદ કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સાથે જ પરિવારજનો બાળક માટે ચિંતાતુર જોવા મળ્યા હતા.
- Advertisement -
સેલ્ફી લેવાની લ્હાયમાં આખી દુનિયામાં સૌથી વધુ મોત ભારતીયોના
સ્માર્ટ ફોનની લોકોના જીવનમાં એન્ટ્રી થયા બાદ સેલ્ફી લેવાનો શોખ હવે ઘેલછા અને ગાંડપણમાં ફેરવાઈ રહ્યો છે. ભારતમાં સેલ્ફી લેવાનો ક્રેઝ એટલી હદે વધ્યો છે કે, હવે સેલ્ફી લેવાના ચક્કરમાં દુનિયામાં સૌથી વધારે મોત ભારતીયોના થઈ રહ્યા છે. ભૂતકાળમાં ઈન્ડિયા જર્નલ ઓફ ફેમિલી મેડિસીન એન્ડ પ્રાણરી કેર દ્વારા પ્રકાશિત કરાયેલા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, સેલ્ફી લેવાની લ્હાયમાં આખી દુનિયામાં સૌથી વધારે મોત ભારતીયોના થાય છે. રિપોર્ટ પ્રમાણે સેલ્ફી લેવામાં મહિલાઓ પુરૂષો કરતા આગળ છે પણ જીવ જોખમમાં નાંખીને સેલ્ફી લેવામાં પુરૂષો મહિલાઓ કરતા આગળ છે. સેલ્ફી લેવાના ચક્કરમાં થયેલા મોતને ડુબવાથી, અકસ્માતથી અને ઉંચાઈએથી પડવાથી એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
ખાસ-ખબર અપીલ
સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ જોખમમાં ન મૂકો
આજના સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ અભિન્ન અંગ બની ચૂક્યો છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના આ આધુનિક સમયમાં આજનો યુવાવર્ગ મોબાઇલનો બંધાણી બની ગયો છે. ખાસ કરીને મોબાઈલમાં સેલ્ફી લેવાના અને રિલ્સ બનાવવા પાછળ કેટલાંક લોકો રીતસર ગાંડા બન્યા છે. અમુક સ્થળોએ સેલ્ફી લેવાના અને રિલ્સ બનાવવાના ચક્કરમાં લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે. જેમાં સેલ્ફી કે રિલ્સના ચક્કરમાં આખેઆખા પરિવારનો જીવ ગયો હોય. આ સિવાય રોજિંદા જીવનમાં પણ જોઇ શકાય છે કે, બાઇક કે વ્હીકલ ચલાવતાં યુવાન કે યુવતી સેલ્ફી લે છે, ડ્રાઈવ કરતાં-કરતાં રિલ્સ બનાવે છે. કેટલાક જોખમી સ્થળોએ પણ ઉભા રહીને સેલ્ફી લેવાના કે રિલ્સ બનાવવાનાં ચક્કરમાં અસંખ્ય લોકો દુર્ઘટનાનો શિકાર બનતા હોય છે. ખાસ-ખબરની ખાસ અપીલ કરી રહ્યું છે કે, સેલ્ફી લેવાના અને રિલ્સ બનાવવાના ચક્કરમાં જીવ ગુમાવો નહીં. સેલ્ફી અને રિલ્સથી વધુ મહત્વપૂર્ણ રિયલ લાઈફની સેલ્ફ છે.