ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય બાબતોમાં લોકોના આપઘાત કરવાની સતત વધી રહેલી ઘટના ચિંતાનું કારણ બની છે. સરકાર દ્વારા આપઘાતના બનાવ અટકાવવા હેલ્પલાઈન પણ શરુ કરવામાં આવી હતી જોકે આ હેલ્પલાઇન લાઈફલાઈન બનવામાં નિષ્ફળ ગઈ હોય તેમ લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરના અલગ અલગ વિસ્તારમાં એક દિવસમાં એક મહિલા સહીત 3 લોકોએ ગળેફાંસો લગાવી આપઘાત કર્યાની ઘટના બનતા ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. તમામ બનાવમાં મૃતકોએ ક્યા કારણસર મોતને વ્હાલું કર્યું તે પણ સામે આવ્યું નથી.
વાંકાનેર શહેરના ત્રણ આપઘાતના બનાવ જોઈએ તો પહેલો બનાવ શહેરના ખડીપરામાં બન્યો હતો જ્યાં ભાવનાબેન હર્ષદભાઇ ધોળકીયા નામની 36 વર્ષની મહિલાએ પોતાના ઘરે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો અને ભાવનાબેનના લગ્ન 20 વર્ષ પહેલા થયા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
બીજો એક બનાવ આરોગ્ય નગર ટાંકીવાળી શેરીમાં બન્યો હતો જ્યાં સંદીપભાઇ જગદીશભાઇ ગોરીયા નામના 36 વર્ષના યુવાને પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
જ્યારે ત્રીજો આપઘાતનો બનાવ ભાટીયા સોસાયટી શારદા સ્કુલની બાજુમાં બન્યો હતો જેમાં ઓમસિંહ ઇશ્વરસિંહ રાજપૂત નામના 20 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.