રાજકોટથી જેતપુર સુધી ચાલી રહેલી સિક્સ લેનની કામગીરીને કારણે ઘણી જગ્યાએ રોડને સિંગલ લેન કરવામાં આવ્યો છે, જે આ ટ્રાફિકજામનું મુખ્ય કારણ બન્યું છે. ખાસ કરીને ગોંડલ નજીક તો પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં વાહનોની ત્રણ-ત્રણ કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. લગ્ન સિઝનને કારણે સામાન્ય દિવસો કરતાં વાહનવ્યવહારમાં ચાર ગણો ધરખમ વધારો નોંધાયો છે. વહેલી સવારથી જ નાનાં-મોટાં વાહનોથી હાઇવે ઊભરાઈ રહ્યો છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મંગળવારે સાંજે રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર ટ્રાફિકજામથી ફરી વાહનચાલકોને ત્રાહિમામ્ પોકારી ગયા હતા. જૂનાગઢ અને જેતપુરથી રાજકોટ આવતા લોકો પારડી ગામ નજીક 3-3 કિ.મી. લાંબી લાઇનમાં ફસાયા હતા અને જિલ્લા કલેક્ટર તથા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય તે માટે વ્યવસ્થા ગોઠવ્યાની પોલ ઉઘાડી પડી ગઇ હતી. આ ટ્રાફિકજામમાં દર્દીઓને લઇને જતી લગભગ 3થી 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી અને મહામહેનતે નીકળી શકી હતી. રાજકોટ-ગોંડલ-જેતપુર વચ્ચે અપડાઉન કરનતા મુસાફરો માટે આ રોજની સમસ્યા બની ગઇ છે.



