11 સપ્ટેમ્બર 2022ના રોજ આરોપી ઈમરાન અને ઈનાયતે છરીના આડેઘડ
ઘા ઝીંકી સરફરાજને ફોન પર કહ્યું ‘અમિત ઉર્ફે લાલાનું પુરું કરી નાખ્યું છે’
આરોપી સરફરાજે સુરેશ ગોંડલીયાને આપેલા પૈસાના વ્યાજની ઉઘરાણી કરવામાં અમિત અવાર નવાર વચ્ચે પડી નડતો હતો
- Advertisement -
સંભવત પ્રથમ વખત હત્યાના બનાવ સમયે એક ફોન કોલ્સ પર કાવતરામાં આરોપીની સંડોવણી માની કોર્ટે આજીવન સજા ફરમાવી
10 સાક્ષીના નિવેદન, મોબાઇલ લોકેશન, કોલ રેકોર્ડિંગ અને છરી સહિતના પુરાવા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વાંકાનેરમાં તા.11/09/2022ના રોજ મોડી રાત્રે 01:00 વાગ્યે અમરનાથ સોસાયટીના નાકે લેથવાળાની દુકાન પાસેથી અમિત ઉર્ફે લાલો અશ્વિનભાઈ કોટેચા લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવારમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તપાસમાં તેના ગુપ્ત ભાગે છરી ઝીંકી હત્યા કરાયાનુ ખુલ્યુ હતુ. આ મુદ્દે મૃતકના ભાઈ હિમાંશુ કોટેચાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયા અને સરફરાજ હુશેનભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી હિમાંશુને તેના ભાઈ અમીત ઉર્ફે લાલાભાઈએ તેને વાત કરી હતી કે ત્રણ દિવસ પહેલા સરફરાજ અને ઈમરાને સુરેશ બાવાજીને આપેલ પૈસાની વ્યાજની રકમમાં લેવા આવ્યા ત્યારે હું વચ્ચે પડ્યો હતો. જેથી તેઓ મારી સાથે માથાકૂટ કરશે. જેથી તું પણ ધ્યાન રાખજે તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ બનાવની રાત્રીના 1-00 વાગ્યે હિમાંશુ કોટેચાના પિતરાઈ ભાઈ વિરલ બુધ્ધદેવનો ફોન આવ્યો અને તેને તાત્કાલીક લાલા લેથવાળાની દુકાન પાસે, અમરનાથ સોસાયટીમાં આવવા માટે મને જણાવ્યુ હતુ. જેથી ફરીયાદી હિમાંશુભાઇ તાત્કાલીક સ્થળ પર પહોંચતા તેનો ભાઈ અમીત લોહીથી લથબથ સ્થળ પર પડ્યો હતો તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે અમિતને મૃત જાહેર કર્યો હતો. તબીબી તપાસમાં તેના ગુપ્ત ભાગે છરીના અનેક ઘા ઝીંકી હત્યા કરાયાનું ખુલ્યુ હતુ.
વિરલ બુધ્ધદેવ કે જે આ કેસના નજરે જોનાર એકમાત્ર સાક્ષી હતા તેઓએ ફરીયાદીને જણાવ્યુ કે ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયા અમીત પાસે આવ્યા હતા અને સુરેશ ગોંડલીયાની બાબતમાં ઉશ્કેરીજનક બોલાચાલી કરી છરીના ઘા માર્યા હતા અને ત્યારબાદ તેઓએ આરોપી સરફરાજ હુશેનભાઈ મકવાણાને ભાગતા ભાગતા સ્થળ પર જ ફોન કર્યો હતો. કે લાલાનું પુરુ કરી નાંખ્યુ છે અને ત્યાર પછી તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
મૃતક અમિતના ભાઈ હિમાંશુએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયા અને સરફરાજ હુશેનભાઈ મકવાણાની અટક કરવામાં આવી હતી. અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યુ હતું. જેમાં સરકાર દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આ કેસમાં સ્પે. પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂંક કરવામાં આવી હતી. તેમજ સરકાર પક્ષે કુલ-10 સાક્ષી તપાસવામાં આવ્યા હતા અને દસ્તાવેજી પુરાવો રેકર્ડ પર લાવવામાં આવ્યા હતા. જેમાં ફરીયાદી અમીત કોટેચા હત્યા નજરે જોનાર વિરલ બુધ્ધદેવ, છરીના અને ગુપ્તીના ડીસ્કવરી પંચો, મોબાઈલના નોડલ ઓફિસર અને આરોપી સરફરાજ પાસેથી વ્યાજે નાણા લેનાર સુરેશ ગોંડલીયા, એફ.એસ.એલ. અધિકારી, પી.એમ. કરનાર ડોકટર, ત્રણ તપાસ કરનાર પોલીસ અધિકારીઓ એમ કુલ દશ સાહેદો સાથે ફરીયાદપક્ષ દ્વારા રજુ કરવામાં આવ્યા.
જે દસ્તાવેજી પુરાવાઓ નામદાર કોર્ટ સમક્ષ રેકર્ડ પર લાવવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓના આધારે સ્પે.પી.પી.ભગીરથસિંહ ડોડીયાએ રજૂઆત કરી હતી કે, આરોપી સરફરાજ એ સુરેશ ગોંડલીયાને આપેલા વ્યાજની ઉઘરાણી માટે ઈમરાન અને ઈનાયતને તેના ઘરે મોકલ્યા હતા. જેમાં અમીત તેઓને અવાર નવાર વચ્ચે પડી નડતો હતો જેથી આ બનાવને અંજામ આપવાનો સરફરાજ મકવાણાનો હેતુ હતો અને જે અંગે મૃતક અમીતએ પણ તેના ભાઇ હીમાંશુ એટલે કે ફરીયાદીને વાત કરી હતી અને સુરેશ ગોંડલીયાએ પણ આ વાતને સમર્થન આપ્યુ હતું અને નજરે જોનાર સાહેદ પણ બનાવનો અંજામ આપવાનો કુદરતી સાક્ષી છે અને બનાવ સ્થળેથી જ હત્યા કરવાના કાવતરામાં સંડોવાયેલ આરોપી સરફરાજને ફોન કરવામાં આવ્યો હતો. જે ફોન કોલમાં પણ બનાવને અંજામ આપ્યાની જાણ કરે છે તે સાબીત થાય છે. મોબાઈલ કોલના સ્થળ પરના આરોપીઓના લોકેશન તથા બનાવ સ્થળની આરોપીઓની સ્વીકૃતી, મોબાઈલના નંબરો તથા ફોન કોલ ન થયાની વાતનો ઈન્કાર તથા ફોન કોલ અંગેનો આરોપી સરફરાજનો કોઈ સંતોષકારક ખુલાસો પુરાવામાં ન આપતા સમગ્ર બનાવમાં આરોપી ઈમરાન અને ઈનાયતની બનાવ સ્થળે હાજરી તથા આરોપી સરફરાજની કાવતરામાં સંડોવણી પ્રાથમિક રીતે ઉપરોકત પુરાવાથી સાબીત થાય છે. આ પુરાવાનું મુલ્યાંકન કરી નામદાર ઉચ્ચ અને વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ તમામ આરોપીઓને મોરબીના એડી. સેશન્સ જજએ કાવતરું રચી અમીત ઉર્ફે લાલાની હત્યાના ગુન્હામાં પુરાવો માની તકસીરવાન ઠરાવ્યા છે અને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ત્રણેય આરોપી મળીને રૂા.ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જે રકમ મૃતક અમિતની પત્નીને વળતર તરીકે આપવામાં આવશે. આ કામમાં સ્પે.પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયા અને મુળ ફરીયાદી તરફે મોરબીના જીતેન્દ્રસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયા હતા.