વિદેશ-અન્ય રાજ્યોમાંથી પ્રાણી લાવવા 4.15 લાખનો ખર્ચ, 7 બ્લ્યૂ ફિઝન્ટ, ત્રણ ગ્રીન ચિક્કડ કોનૂર, અને એક વોલાબીનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જંગલ સફારી ખાતે વિદેશ અને અન્ય રાજ્યોમાંથી 295 જેટલા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, બીજી તરફ છેલ્લા બે વર્ષના અરસામાં ત્રણ ખિસકોલી મંકી, ત્રણ થામીન હરણ સહિત કુલ 38 પ્રાણીઓના મોત થયા છે. વિદેશ કે અન્ય રાજ્યમાંથી લવાયેલા પ્રાણીઓ કે પક્ષી પાછળ છેલ્લા બે વર્ષમાં 4.15 લાખનો ખર્ચ કરાયો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે આ માહિતી આપી છે.
સ્ટેચ્યૂ ઓફ યનિટી ખાતેના સફારી પાર્કમાં બે વર્ષમાં એક ઘરિયાલ, 3 એકલેટસ પેરોટસ એક લોરીકિટ રેઈન બો, ત્રણ રેડ બીલ્ડ ટુકાન, એક ગોલ્ડન ફિઝન્ટ, ત્રણ સિલ્વર ફિઝન્ટ, એક લેડી હેમહસર્ટ ફિસેન્ટ, 7 બ્લ્યુ ફિઝન્ટ, એક કેરોલીના ડક, ત્રણ ગ્રીન ચીક્કડ કોનુર, ચાર સન કોનુર, ત્રણ અલ્પાકા અને એક વોલાબીનું મોત થયું છે. વિદેશ કે અન્ય રાજ્યોમાંથી પ્રાણીઓ લાવવા પાછળ બે વર્ષમાં 4,15,400નો ખર્ચ થયો છે. બે વર્ષમાં જે 295 પ્રાણી લવાયા તેમાં છ ઘરિયલ, બે રિંગટેલ લેમુર, બે રેડ ઈગ્વાના, બે લીલા ઈગ્વાના, બે કપૂચિન વાંદરા, 10 લોરીરિટ રેઈન બો, 10 બ્લ્યુ ફિઝન્ટ, 8 ઈમુ, 10 ગોલ્ડન બ્લ્યુ મકાઉ, 94 ગ્રીન ચિક્કડ કોનુર, 12 સન કોનુર, ત્રણ ઝેબ્રા વગેરે સામેલ છે.