યુવાનને કારથી ઠોકર મારી ત્રણ અજાણ્યા શખ્સો લૂંટ ચલાવીને ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએથી નોકરી પુરી કરીને ઘરે પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સો રૂ. 29 લાખની રોકડ ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમોએ ઘટનાસ્થળે દોડી જઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ભોગ બનનાર યુવકને ઈજા થઈ હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે ભોગ બનનાર યુવાનની સઘન પૂછપરછ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી નજીક આવેલ કેલેફેકસન ટેકનો પ્રાઈવેટ લિમિટેડ ફેકટરીમાં કેશિયર તરીકે કામ કરતા નવી પીપળી ગામના રહેવાસી ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી ગત સાંજે પોણા આઠેક વાગ્યાના અરસામાં ફેક્ટરીએથી કામ પતાવી ઘરે જતા હતા ત્યારે નવી પીપળી અને જૂની પીપળી વચ્ચે આશ્રમ નજીક એક અજાણી કારે તેમને ઠોકર મારી નીચે પછાડી દીધા હતા અને કારમાંથી ઉતરેલા અજાણ્યા ત્રણ શખ્સો તેમની પાસે રહેલ 29 લાખની રોકડ રકમ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. અજાણ્યા ફોર વ્હીલમાં આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટનાની જાણ થતાં તુરંત મોરબી તાલુકા, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં ચંદ્રેશભાઈની ફરિયાદન આધારે રૂ. 29 લાખની લૂંટ અંગે ગુન્હો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે.
મોરબીના પીપળી રોડ પર કંપનીના કેશિયરને આંતરીને 29 લાખની લૂંટ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/loot-2.jpeg)