કેગના રીપોર્ટમાં ઘટસ્ફોટ : 80% બાંધકામ સ્થળે તબીબી સારવારની અસુવિધા
બાંધકામ કામદારોના કલ્યાણ માટેની યોજના, ગ્રાન્ટ વપરાશ, સર્વેક્ષણ અને નિયંત્રણમાં ખામી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ અંગેના ભારત સરકારના ક્ધટ્રોલર એન્ડ ઓડિટર જનરલના માર્ચ 2022ના પુરા થતા વર્ષ માટેના રિપોર્ટ મુજબ સરકારના બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ બોર્ડે કલ્યાણ ભંડોળનું જ ગઠન કર્યુ ન હતું અને સરકારે જુન 2011થી સલહાકાર સમિતિનું પણ ગઠન કર્યુ ન હતું. આ ઉપરાંત કેગના રિપોર્ટ મુજબ સાઈઠ વર્ષની ઉંમર પુરી કરનારા લાભાર્થીને વૃદ્ધાવસ્થા પેન્શન આપવુ બોર્ડનું મુખ્ય કામ છતાં 2019થી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સ્થગિત રાખવામા આવી હતી. આ ઉપરાંત કેગના રિપોર્ટ મુજબ 2017 થી2022 સુધીના છ વર્ષમાં રાજ્યમાં જુદી જુદી 280 બાંધકામ સાઈટો પર અકસ્માતની ઘટના બની હતી. જ્યારે આ ઘટનાઓમાં 313 કામદારોના મોત થયા હતા. જ્યારે ટ્રાન્સફર અને વસુલવાની પદ્ધતિ-અમલીકરણમાં પણ ખામીઓ કેગ દ્વારા નોંધાઈ હતી.
કેગના રિપોર્ટ મુજબ બોર્ડ કે રાજ્ય સરકાર દ્વારા 2017થી 2022 સુધીમાં કુલ 31 કલ્યાણકારી યોજનાઓમાંથી 13 કલ્યાણકારી યોજનાઆ (42 ટકા) બંધ અથવા સ્થગિત કરી દેવાઈ હતી. આ ઉપરાંત કેગના રિપોર્ટ મુજબ સાઈઠ વર્ષની ઉંમર પુરી કરનાર લાભાર્થીઓને વૃદ્ધાવસ્થા પેન્શન આપવુ એ બોર્ડના મુખ્ય કામોનું એક છતાં પણ મે 2019થી પેન્શન યોજના સ્થગિત રાખવામા આવી હતી. જ્યારે 2017થી 2022 દરમિયાન શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ રાજ્યના નવ જિલ્લામાં વિસ્તારવામા આવ્યો હતો. બાકીના 24 જિલ્લામાં યોજના ન હતી. જુન 2024ના અંત સુધીમાં 19 જિલ્લાઓમાં યોજના વિસ્તારવામા આવી હતી. નોંધાયેલ કામદારોને પોતાનું મકાન લેવા માટે મદદ કરવા બોર્ડની મુખ્ય બે યોજનાઓ છે. જેમાં 2017થી રર દરમિયાન માત્ર 37 લાભાર્થીને જ આવાસ યોજના હેઠળ લાભ મળ્યો હતો. આ ઉપરાંત હાઉસિંગ સબસિડી યોજના હેઠળ કોઈ લાભાર્થીને આવરી લેવામા ન આવ્યા હતા. કેગના તારણો મુજબ કલ્યાણકારી યોજનાઓમાં વધારે પડતા વિલંબથી ફાયદાઓ મંજૂર કરવા તેમજ અરજીઓનો અન્યાયી અસ્વીકાર અને લાયક હોવા છતાં લાભાર્થીઓને બહાર મુકવામા આવ્યા હોવાનું ધ્યાને આવ્યુ હતું. બોર્ડે સાત મ્યુનિસિપલ કોર્પોરેશનને કામદાર સુરક્ષા પગલા માટે કોરોના સુરક્ષા કવચ યોજનામાં પર કરોડ રૂપિયા આપ્યા હતા. માર્ચ 2023 સુધીમાં 36 કરોડના ઉપયોગ વિશે ચાર કોર્પોરેશન દ્વારા વપરાશ પ્રમાણપત્રો રજૂ કરાયા ન હતા. અન્ય ત્રણ કોર્પોરેશન પાસેથી 12.50 કરોડની વણવપરાયેલી ગ્રાન્ટની વસુલાત માટે કોઈ પગલા ન લેવાયા. કેગના રિપોર્ટ મુજબ તપાસ માટે પસંદગીની 50 બાંધકામ સાઈટમાંથી 44માં એમ્બ્યુલન્સ રૂમ ન હતા તેમજ 42માં એમ્બ્યુલન્સ વાન કે નજીકની હોસ્પિટલ સાથે વ્યવસ્થા ન હતી. 41 સાઈટમાં સ્ટ્રેચર ન હતી અને 11માં ફર્સ્ટ એઈડ બોક્સ ન હતા તેમજ 40 સાઈટમાં જીવન બચાવનાર સહાયક સાધનો કે ઉપકરણો ન હતા.
2017થી 2022 સુધી અકસ્માત-મૃત્યુ
વર્ષ અકસ્માત મૃત્યુ
2017 35 35
2018 43 48
2019 66 73
2020 44 49
2021 44 49
2022 48 59



