ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના ટેક્સાસમાં મેક્સિકોથી આવેલા ટ્રકમાં અત્યાર સુધી 51 મૃતદેહ મળી ચૂક્યા છે. આ લોકો ગેરકાયદે રીતે ટ્રકમાં ઠૂંસી ઠૂંસીને લવાયા હતા. આ ભયાવહ ઘટનાના કારણે શરણાર્થીઓનો મુદ્દો ફરી ગરમાવો પકડી રહ્યો છે. તેનું એક બીજું પાસું એ પણ છે કે, હાલના વર્ષોમાં ગેરકાયદે રીતે ઘૂસવાના મામલામાં ભારતીયોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.
થોડા સમય પહેલા અમેરિકન ફેડરલ એજન્સીએ કેનેડામાંથી અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે પ્રવેશ કરાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગના વડા જસપાલ ગિલની પણ ધરપકડ કરી લેવાઈ છે, જે કેલિફોર્નિયામાંથી નેટવર્ક ચલાવતો હતો. આ તપાસમાં સામેલ એક ફેડરલ એજન્ટે ભાસ્કરને કહ્યું કે, આ ગેંગે ઉબર કેબ થકી હજારો ભારતીયોને ગેરકાયદે રીતે અમેરિકા પહોંચાડી દીધા છે.