વાહનચાલકોને દંડને બદલે ગુલાબ આપતી પોલીસ ! જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન વાહન અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. વાહન ચલાવતી વખતે વાહનચાલકો નિયમનું પાલન કરે તેવી અવાર નવાર જિલ્લા પોલીસ, રીઝનલ ટ્રાન્સપોર્ટ વિભાગ તેમજ વહીવટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તો સાથે સાથે જરૂર પડ્યે દંડ અને ફરિયાદ જેવી કાર્યવાહી પણ થતી હોય છે તેમ છતાં મોરબી જિલ્લામાં વાહન અકસ્માતની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. મોરબી જિલ્લામાં વર્ષ 2022 માં 328 જેટલા નાના મોટા અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં 235 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો તો 250 જેટલા લોકોને સામાન્યથી લઇ ગંભીર ઇજા પહોંચી હતી. આ 328 એવાં અકસ્માત જ છે જે માત્ર પોલીસ ચોપડે નોંધાયા છે જ્યારે વર્ષમાં એવી પણ કેટલીક ઘટનાઓ બની હશે જે પોલીસ ચોપડે નોંધાઈ નથી ત્યારે મોરબી જીલ્લા પોલીસ વિભાગ અને માર્ગ પરિવહન વિભાગ દ્વારા જીલ્લામાં વાહન અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તેમજ લોકો વાહન ચલાવતી વખતે નિયમનું પાલન કરે તે માટે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
મોરબીમાં પણ તા. 11 થી 17 જાન્યુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બુધવારે પ્રથમ દિવસે મોરબીના શનાળા રોડ પર આવેલ પોલીસ ચોકી ખાતે એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રસ્તા પરથી નીકળતા બાઈક સવાર લોકોને હેલ્મેટ પહેરવા, કાર સવાર લોકોને સીટ બેલ્ટ પહેરવા, પેસેન્જર વાહન ચાલકોને નિયમ કરતા વધુ પેસેન્જર ન ભરવા તેમજ ગતિ મર્યાદા કરતા વધુ વાહન ન ચલાવવા સહીતની માહિતી આપવામાં આવી હતી સાથે સાથે વાહન ચાલકોને ફૂલ આપી સ્વાગત કર્યું હતું. આ તકે ડે. કલેકટર દેવેન્દ્રસિંહ ઝાલા, આરટીઓ ઈન્સ્પેકટર રોહિત પ્રજાપતિ, ડીવાયએસપી ગોસ્વામી, મોરબી ટ્રાફિક પી. આઈ. સોલંકી સહિતના અધિકારી અને શહેરીજનો જોડાયા હતા.