ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક માટે પાર્ટી દ્વારા પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 22 આગેવાનોએ પ્રમુખપદ માટે ફોર્મ ભર્યું છે, જ્યારે પાર્ટીના નિયમો અનુસાર ત્રણ દાવેદારના ફોર્મ રદ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા પ્રમુખપદ માટે ગઈકાલે પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલયમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના ચૂંટણી અધિકારી ભરતભાઈ મેર, સહાયક ચૂંટણી અધિકારી દિનેશભાઈ ખટારીયા અને સ્થાનિક ચૂંટણી અધિકારી વિજયભાઈ થાનકી અને અરજનભાઈ ભુતિયાની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. પ્રમુખપદ માટે હાલના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા,ભુરાભાઈ કેશવાલા, આવડાભાઈ ઓડેદરા, અરસીભાઈ ખુંટી, અશોકભાઈ મોઢા, ભરતભાઈ ઓડેદરા અને ગાગા માલદે ઓડેદરા,ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયા, ભીમભાઈ ઓડેદરા, ચંદ્રેશભાઈ સામાણી, વિશાલ મઢવી અને રામભાઈ જાડેજા સહિત કુલ 22 આગેવાનોએ ફોર્મ ભર્યું.ભાજપના ગાઇડલાઇન મુજબ ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જો કે તેમના નામ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઠવાડીયા અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સંકલન મીટીંગ યોજાઈ. તેમાં પ્રમુખપદ માટેના નામોને લઈને ચર્ચા કરી હતી. આ તમામ 22 નામો આજે ગાંધીનગર ખાતે પાર્લમેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. ત્યારબાદ દિલ્હીમાં ભાજપના ઉચ્ચ નેતૃત્વ દ્વારા પોરબંદર જિલ્લાના નવા પ્રમુખની નિમણૂકની ઘોષણા કરવામાં આવશે.
- Advertisement -
મહત્વના દાવેદારો
પ્રમુખપદ માટે દાવેદાર તરીકે અશોકભાઈ મોઢા, અરસીભાઈ ખુંટી અને વિક્રમભાઈ ઓડેદરાના નામો ચર્ચામાં છે. પોરબંદર ભાજપના આંતરિક સૂત્રો મુજબ, અશોકભાઈ મોઢા, જેમણે છેલ્લા બે ટર્મથી જિલ્લા મહામંત્રી તરીકે કાર્ય કર્યું છે, તેઓ ભાજપના મજબૂત સંગઠનશીલ નેતા માનવામાં આવે છે. અશોકભાઈ મોઢાએ જિલ્લા સ્તરે વિવિધ ચૂંટણી પ્રચારમાં મહત્વનો ફાળો આપ્યો છે અને સ્થાનિક કાર્યકરોમાં તેમની લોકપ્રિયતા પણ ઉંચી છે. તેમની દાવેદારીને પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં કામ કરતા જૂના અને નવા કાર્યકરોનો સમર્થન મળતું હોય તેવા સંકેત મળી રહ્યા છે. અરસીભાઈ ખુંટી અને વિક્રમભાઈ ઓડેદરા પણ સંઘર્ષશીલ અને એક્ટિવ નેતાઓ તરીકે જાણીતાં છે. તેમનું તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો પર મજબૂત પ્રભાવ છે, જેના કારણે તેઓ પણ મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
પરિણામ તરફ તાકેલી નજર
ભાજપના કાર્યકર્તા અને આગેવાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ફાઈનલ નિર્ણયમાં કોના નામની પસંદગી થશે. આગામી સમયમાં નવું નેતૃત્વ ભવિષ્યની ચૂંટણી અને સંગઠનના વધુ મજબૂતિકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.