સોરઠમાં ભાદરવે બારેમેઘ ખાંગા
કોડીનાર, વેરાવળમાં બે-બે ઇંચ : તાલાલા, માળિયામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો
- Advertisement -
ગતરાત્રે ગિરનારમાં પાંચ ઇંચ વરસાદ થતાં સોનરખમાં ઘોડાપુર : ભવનાથ રસ્તા પર નદીઓ વહી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ગઇકાલે બપોર બાદ મેઘ સવારી આવી પહોંચી હતી. સોરઠમાં 3 ઇંચ સુધી વરસાદ થયો હતો.બાદ આજે સવારથી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અવીરત વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડામાં બપોરનાં 12 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જયારે કોડીનાર,વેરાવળમાં બે-બે ઇંચ અને તાલાલા,માળિયામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ થયો હતો. તેમજ ગતરાત્રીનાં ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.
વરસાદનાં લાંબા વિરામ બાદ ભાદવરે અષાઢી માહોલ જામ્યો છે. વીજળીનાં કડાકાભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં ગઇકાલે સાંજનાં સાત વાગ્યે અતિભારે વરસાદ પડ્યો હતો. તેમજ પવન પણ ફૂકાયો હતો. શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં વિસાવદર, ભેંસાણ, મેંદરડા તાલુકામાં પણ 3 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. બાદ જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં સવારનાં 8 વાગ્યાથી બપોરનાં 12 સુધીમાં સારો વરસાદ પડી ગયો છે. જેમાં માળિયામાં દોઢ ઇંચ, મેંદરડા અને માંગરોળમાં અડધો-અડધો ઇંચ વરસાદ થયો હતો. જિલ્લાનાં અન્ય તાલુકામાં ઝાપટા પડ્યાં હતાં. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હતાં. ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડામાં બપોર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે સુત્રાપાડામાં સિઝનનો 214 ટકા વરસાદ થયો છે. આ ઉપરાંત કોડીનાર અને વેરાવળ તાલુકામાં બે -બે ઇંચ વરસાદ થયો હતો. તાલાલામાં દોઢ અને ઉનામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.
- Advertisement -
વેરાવળમાં બે ઇંચ જેવો વરસાદ વરસી જતા શહેરના અનેક રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતાં. વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો,જેના કારણે નદી-નાળા પુર આવ્યાં હતાં. વેરાવળ પંથકના ડાભોર, ચમોડા, આંબલીયાળા, છાત્રોડા સહિતના અનેક ગામોને જોડતા અને વાડી વિસ્તારના રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા.
વેરાવળનાં ભાલપરામાં નાળિયેરીનાં બગીચામાં વીજળી પડી
વેરાવળ તાલુકામાં વીજળીનાં કડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે વેરાવળ તાલુકાનાં ભાલપરા ગામે નાળિયેરીનાં બગીચામાં વીજળી પડી હતી. વીજળીનાં કારણે નાળિયેરીનાં વૃક્ષમાં આગ લાગી ગઇ હતી. જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.