ચૂંટણીટાણે જ મતદારો યાદ આવે છે: સ્થાનિકો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી તમામ પ્રકારની સુખ સુવિધા મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ હોવાના બણગા ફૂકી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી નજરે તરે છે. જેમાં ધ્રાંગધ્રાના કંટાવા વિસ્તારમાં આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્થાનિકો પ્રાથમિક સુવિધાથી વંચિત નજરે પડે છે. ધ્રાંગધ્રાના કંટાવા વિસ્તાર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં સમાવેશ કરાયો છે. અહીં લગભગ 200થી વધુ મજૂરી કરતા પરિવારો વસવાટ કરે છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના કંટાવા વિસ્તારમાં આજ દિવસ સુધી રોડ રસ્તા, પાણી અને લાઈટની સુવિધા મળી રહી નથી. ત્યારે સ્થાનિકો દ્વારા જણાવાયું છે કે તેઓ અહીં લગભગ પંદર વર્ષથી વસવાટ કરે છે અને મોટાભાગે અહીં વસવાટ કરતા જેટલા પણ સ્થાનિકો છે તેઓ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અનેક વખત નગરપાલિકા, ધારાસભ્ય અને સંસદસભ્ય સુધીનાઓને પ્રાથમિક સુવિધા બાબતની રજૂઆત કરી છે પરંતુ ચૂંટણીટાણે જ યાદ આવતા અહીંના મતદાતાઓ આજેય પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યા છે. આ વિસ્તારમાં ગત પાંચેક વર્ષ પૂર્વે પીવાના પાણી માટે બોરની સુવિધા અંગે જનરલવોર્ડમાં ઠરાવ કરી બોર પાડવામાં આવ્યો હતો પરંતુ પાણીનો બોર માત્ર નામનો જ હોય તે પ્રકારે આજદિન સુધી કોઈ ઉપયોગ થઈ શક્યો નથી. કંટાવા વિસ્તારમાં લગભગ 200 પરિવારનો મહિલા અને નાના બાળકો દરરોજ અહીં પાસે આવેલા વાડી વિસ્તારમાંથી પીવાનું પાણી ભરીને ઘરે લઈ જાય છે. જેથી પાણીનો બંદોબસ્ત તો સ્થાનિકો દ્વારા જાતે જ કરી લીધો છે પરંતુ હવે રહી લાઈટ અને રોડ રસ્તાની વ્યથા તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર ચોમાસે કંટાવા વિસ્તારમાં રોડ રસ્તા નહીં હોવાના લીધે કાદવ અને કીચડનું સામ્રાજ્ય જાણે છે. જ્યારે વધુ પડતો વરસાદ આવે ત્યારે ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. આ પ્રકારની સ્થિતિના પોતાનું જીવન વિતાવતા કંટાવા વિસ્તારના સ્થાનિકો પાકિસ્તાનથી હિજરત કરી આવેલા નાગરિક હોય તેવું વર્તન થતું હોવાનું જણાવી રહ્યા છે. તેવામાં સામાન્ય સભામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ખર્ચ અને વિકાસના કામોને બહાલી આપતા ધ્રાંગધ્રા નગરપાલિકાને છેવાડાનો આ વિસ્તાર જે ખરેખર વિકાસ ઝંખે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા અહીંના પરિવારો માંગ લગાવી રહ્યા છે.
- Advertisement -
ધ્રાંગધ્રા નગરપાલિકા A ગ્રેડમાં આવી પરંતુ વિકાસ C ગ્રેડ માફક !
ધ્રાંગધ્રા નગરપાલિકાને હાલમાં જ બી ગ્રેડમાંથી એ ગ્રેડમાં સમાવેશ કરાયો છે પરંતુ જે પ્રકારે નગરપાલિકા અને શહેરની સ્થિતિ છે તે મુજબ નગરપાલિકા સી ગ્રેડ કરતા પણ નીચો હોવો જોઈએ તેવું જાગૃત નાગરિકોનું માનવું છે.
નગરપાલિકાના એક જ વિસ્તારના વિકાસમાં કરોડોની ગ્રાન્ટનો વપરાશ!
- Advertisement -
ધ્રાંગધ્રા નગરપાલિકાના દર સામાન્ય સભામાં કરોડોના કામને મંજૂરી આપી દેવાય છે જેમાં સૌથી વધુ વિકાસના કામો એક ચોક્કસ વોર્ડમાં કરવામાં આવે છે એક તરફ આ વોર્ડ અને બીજી તરફ અન્ય આઠ વોર્ડમાં કામનો સરેરસ અડધો અડધ નજરે પડે છે પોતાના અંગત સ્વાર્થ ખાતર નગરપાલિકાના સત્તાધીશો શહેરી વિસ્તારમાં વ્હાલાદવલાની નીતિ અપનાવે છે.