ચીનના નવા H9N2 વાયરસની ગંભીરતાને ધ્યાને લઇ આગોતરું આયોજન
ઓક્સિજનની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા હોવાનો દાવો: બિનજરૂરી રજાઓ કેન્સલ કરાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચીને વિશ્વભરને કોરોના મહામારીના ભરડામાં ધકેલી દીધું હતું. જેનો પ્રકોપ અત્યાર સુધી જારી રહ્યો હતો. ફરી એક વખત ચીનમાં રહસ્યમય નિમોનિયાનો પ્રકોપ જોવા મળ્યો છે. કોરોનાની જેમ આ બિમારી પણ ઝડપભેર ફેલાઇ રહી છે. ચીનની અનેક હોસ્પિટલો નિમોનિયાથી પીડિત બાળકોથી ઠસોઠસ ભરેલી છે. હવે આ અજ્ઞાત બિમારીએ બાળકોને ટાર્ગેટ બનાવ્યા છે. જેને એવિયન ઇન્ફ્લૂએન્જા નામ આપવામાં આવ્યું છે અને આ વાયરસને એચ9એન2 નામ આપવામાં આવ્યું છે. ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, કોરોના બાદ હવે આ નવો વાયરસ ચીન દુનિયાને આપી રહ્યું છે. આ નવી બિમારી પણ કોરોનાની જેમ ગંભીર રૂપ ધારણ કરી શકે છે.
આ રહસ્યમય બિમારીને લઇને કેન્દ્ર સરકારે રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને તામિલનાડુને એલર્ટ જારી કર્યું છે. જેને પગલે આ વાયરસની ગંભીરતાને ધ્યાને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ પર્યાપ્ત મેડિકલ સાધનોથી સજ્જ થઇ ગઇ છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અલગ-અલગ વિભાગોના એચઓડીને બોલાવી મીટીંગ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પિડીયાટ્રીક વિભાગના તબીબોને બોલાવવામાં આવ્યા હતા.
આ બેઠકમાં મેડિકલ કોલેજના પ્રોફેસરો પણ જોડાયા હતા. સિવિલ હોસ્પીટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ વધુ વિગતો આપના જણાવ્યું હતું કે હોસ્પીટલમાં જરૂરી પીપીઇ કીટ તેમજ એન્ટિબાયોટિક દવાનો જથ્થો ઉપલબ્ધ છે.
ઓકિસજન પ્લાન્ટમાં પુરતો ઓકિસજન હોવાથી જે જે વોર્ડમાં ઓકિસજન પહોંચે છે તે વોર્ડ કે વિભાગમાં ઓકિસજન બાબતે કોઇ ફરીયાદ નથી. આના ઉપયોગ માટે વપરાતા વેન્ટીલેટરની સુવિધા પણ પર્યાપ્ત છે. ડો.ત્રિવેદીએ વધુમાં કહ્યું કે ખાસ તો હોસ્પીટલનાં પ્રાંગણથી માંડીને તમામ વોર્ડ રૂમ વિસ્તારમાં સ્વચ્છતાને પ્રાધાન્ય અપાઇ રહ્યુન છે. ગંદકી કરનાર દર્દીઓ, તેઓના સગા વહાલાઓ કે આરોગ્ય સ્ટાફને શિક્ષાત્મક સુચનાઓ અપાઇ રહી છે.