કઠોળના ભાવ પણ આસમાને
માર્ચ મહિનો શરૂ થતાં જ મસાલાની સીઝન શરૂ થાય છે. ગૃહિણીઓ એક વર્ષનો મસાલો એક સાથે ભરે છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં મરચાંપીઠ શરૂ થઈ ચૂકી છે જે આશરે ત્રણ મહિના સુધી ચાલુ રહેશે. રાજકોટમાં અંદાજિત 30થી વધુ મરચાંપીઠ છે. વધુમાં સોરઠીયા વાડીમાં છેલ્લાં 12 વર્ષથી મરચાંપીઠ કરતાં કાનાભાઈ આહીરે જણાવ્યું હતું કે આ વર્ષે દરેક મસાલામાં 25થી 30 ટકા વધારો થયો છે. મરચાંનો ભાવ મણનો ગયા વર્ષે 1500થી 3000 હતો જ્યારે આ વર્ષે 4500થી 5500 સુધીનો મણનો ભાવ દેશી મરચાંનો છે.
હળદરમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 20 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે રૂા. 100ના ભાવે વેચાતી અને આ વર્ષે રૂા. 115ની કિલો, જીરૂ ગયા વર્ષે 2000થી 2200નું મણ આ વર્ષે 4500નું મણ, સારી ક્વોલિટીની ધાણી આ વર્ષે ભાવ ડબલ થવા પામ્યા છે. ગયા વર્ષે ધાણી રૂા. 1000થી 1200ની મણ હતી જ્યારે આ વર્ષે રૂા. 2800 મણના ભાવે વેચાય છે. આ સાથે દરેક કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. દરેક કઠોળ કિલો રૂા. 100થી વધુના ભાવ થવા જઈ રહ્યા છે. આમ અંતમાં કઠોળથી મસાલા સુધીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.