ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં કિલો મીટર મુજબ ટોલટેક્સમાં ફેરફારનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલ બે ટોલનાકા બંધ થશે અને ત્રણ ટોલનાકા શરૂ થશે.આથી રાજકોટ-સૌરાષ્ટ્રથી ગાંધીનગર-અમદાવાદ જનાર હજારો વાહન ચાલકોને વધારાનો ડામ આવનાર હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટીના સુત્રોએ જણાવ્યું છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, 21 વર્ષ પહેલા એટલે જૂલાઈ 2003માં રાજકોટ-અમદાવાદ ફોન લેન કરવામાં આવ્યો હતો.ફોરલેન 369 કરોડના ખર્ચ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા પાછળ કરવામાં આવેલ ખર્ચની વસુલાત વાહન ચાલકો પાસેથી કરવા માટે ચોટીલા નજીક બામણબોર અને લીંબડી પછી બગોદરા પાસે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા.
- Advertisement -
વાહનચાલકો પાસેથી માત્ર 10 વર્ષ સુધી જ ટોલ વસુલવાની જોગવાઈ કર્યા બાદ પણ સરકાર દ્વારા ટોલ વસુલવાનું ચાલુ રાખી કરોડો રૂપિયાની કમાણી કરી છે. હવે તાજેતરમાં ટોલટેક્સ કિલો મીટર મુજબ વસુલવાની કાર્યવાહી તૈયારી કરવામાં આવતા બામણબોર અને બગોદરાનું ટોલનાકું બંધ કરવામાં આવનાર છે.
રાજકોટ નેશનલ હાઈવે ઓથોરિટીના સુત્રોએ જણાવ્યું છે કે, 2018થી રાજકોટ-અમદાવાદ સિક્સલેન બનાવવામાં આવતા હવે જૂના ટોલનું સ્થળ પણ બદલવામાં આવશે. નવા રોડ માટે રાજકોટથી જતા પ્રથમ ડોળીયા પાસે આવેલ આહ્યા ગામ, બીજૂ લીંબડી પાસે કાનપરા અને બાવળા પાસે ત્રીજૂ ટોલનાકું શરૂ કરવાની દરખાસ્ત તૈયાર કરી કેન્દ્રીય પરિવહન મંત્રાલયને મોકલી દેવામાં આવી છે. જેને સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
ટોલટેકસના દરમાં વધારો થશે
સુત્રોએ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ઉભા કરવામાં આવેલા ત્રણ ટોલનાકામાં વાહનો પાસેથી કેટલો ટેક્સ વસુલ કરવો તેની દરખસ્તા તૈયાર કરી લેવામાં આવી છે. પરતું અત્યારે જે વાહનો ભારે વાહનો પાસેથી ટેક્સ વસુલ કરવામાં આવે છે તેના સેલ્બમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વર્તમાન દર કરતા ડબલ દર વસુલ કરવામાં આવનાર છે.
- Advertisement -
3350 કરોડની વસૂલાત વાહન ચાલકો પાસેથી થશેરાજકોટ-અમદાવાદ 201 કિલો મીટરનો સિક્સલેન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. રોડ બનાવનાર એજન્સીને ડિસેમ્બર-2024ની આખરી મુદત આપવામાં આવી છે. 201 કિલો મીટરના હાઈવે પાછળ સરકારે અત્યાર સુધીમાં 3350 કરોડનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ વાહન ચાલકો પાસેથી વસુલ કરવા સરકારી તંત્રએ પૂરી તૈયારી કરી લીધી છે.
કાર – STને ફ્રિ મુસાફરી બંધ થશે
તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલ ટોલનાકામાં કાર અને એસ.ટી.બસને ટોલ ફ્રિ જાહેરાત કરી હતી. હવે નવો રોડ બનતા ટોલ ફ્રિ સેવા પણ બંધ કરવામાં આવનાર હોવાનું નેશનલ હાઈવેના સુત્રોએ જણાવ્યું હતું.