રૂ. 1.50 કરોડના ખર્ચે બનેલા મકાનોમાં એક પણ અગરિયો રહેવા ન આવ્યો, અસામાજિક તત્વો બારી-બારણાં અને લાઈટો ચોરી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં હાડમારી વેઠીને મીઠું પકવતા અગરિયાઓના ઉત્થાન માટે બનાવેલી આવાસ યોજના અત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે ધૂળ ખાઈ રહી છે. વર્ષ 2005-06માં નમક મજદૂર આવાસ યોજના હેઠળ અંદાજે રૂ. 1.50 કરોડના ખર્ચે બનાવેલા 188 આવાસ હાલમાં ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ આવાસોમાં અસામાજિક તત્વો લાઈટો અને બારી-બારણાં પણ તોડી કે ચોરી ગયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દેગામમાં 70, પાટડીમાં 48, જૈનાબાદમાં 32 અને માલવણમાં 38 આવાસો બનાવવામાં આવ્યા હતા. અગરિયા આગેવાન દેવાભાઈ સાવડીયાના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટરના તકલાદી કામ અને તંત્રની ઉદાસીનતાને કારણે અહીં એક પણ અગરિયો રહેવા આવ્યો નથી. બે-બે વાર રિનોવેશન કરવા છતાં મકાનોની સ્થિતિ એટલી ખરાબ છે કે તેમાં મોટી તિરાડો પડી ગઈ છે અને કેટલાક મકાનો તો જમીનદોસ્ત થઈ ગયા છે. અગરિયાઓએ હવે આ ખંડેર મકાનો સ્વીકારવાનો પણ સાફ ઇનકાર કરી દીધો છે. આ મામલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સતિષભાઈ પારેજીયાએ જણાવ્યું હતું કે, આ આવાસો 20 વર્ષ પહેલા સોલ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યા હતા. જે તે સમયે અગરિયાઓને આ મકાનો સોંપાયા હતા કે નહીં અને તેઓ શા માટે રહેવા ન આવ્યા તેની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કરોડોના ખર્ચે બનેલી આ યોજના અત્યારે સરકારી નાણાંનો વેડફાટ સાબિત થઈ રહી છે.



