જિલ્લાના 27 ડેમોમાં સરેરાશ 94.78 ટકા જળસંગ્રહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને પગલે જળાશયો છલકાવા લાગ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલા 27 જળાશયોમાં વરસાદના નીર ઠલવાઈ રહ્યા છે અને 18 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં 10 ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, જ્યારે આઠ ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના તમામ 27 જળાશયો સરેરાશ 94.78 ટકા ભરાઈ ગયા છે. જિલ્લામાં પાંચ ડેમના વિસ્તારમાં અત્યાર સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા પ્રમાણે, આજની તારીખે સવાર સુધીમાં 18 જળાશયો 100 ટકા ભરાઈને છલકાઈ રહ્યા છે. જેમાં ભાદર ડેમના 17 દરવાજા 1.8 મીટર ખોલવામાં આવ્યા છે. જ્યારે મોજ ડેમના 20 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે. સુરવો ડેમના ત્રણ દરવાજા 0.1 મીટર, મોતીસર ડેમના ત્રણ દરવાજા 0.60 ડિગ્રી, છાપરવાડી-2 ડેમના બે દરવાજા 1.5 મીટ, કરમાળ ડેમના બે દરવાજા 0.6 મીટર, કર્ણુકી ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. ખોડાપીપર ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે.
- Advertisement -
જ્યારે ફોફળ ડેમ હાલ 1.585 મીટર ઓવરફ્લો, જ્યારે આજી-1 ડેમ 1.25 મીટર ઓવરફ્લો, સોડવદર ડેમ 0.75 મીટર ઓવરફ્લો થઈ રહ્યા છે. જ્યારે ગોંડલી ડેમ, વાછપરી ડેમ તથા વેરી ડેમ, ફાડદંગ બેટી, લાલપરી ડેમ 0.3 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે. જ્યારે છાપરવાડી-1 ડેમ 0.25 મીટર, ઈશ્ર્વરીયા ડેમ 0.5 મીટર ઓવરફ્લો થઈ રહ્યા છે.નોંધનીય છે કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ મોજ ડેમના ક્ષેત્રમાં 1135 મિલિમીટર (44.69 ઈંચ), ફોફળ ડેમ ક્ષેત્રમાં 1010 મિ.મિ. (39.76 ઈંચ), સોડવદર ડેમ ક્ષેત્રમાં 1057 મિ.મિ. (41.61 ઈંચ), છાપરવાડી-2 ડેમ ક્ષેત્રમાં 1044 મિ.મિ (41.10 ઈંચ). જ્યારે ભાદર-2 ડેમ ક્ષેત્રમાં 1020 મિ.મિ. (40.16 ઈંચ) નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઘેલો સોમનાથ ડેમ ક્ષેત્રમાં 120 મિ.મિ. (4.72 ઈંચ) વરસ્યો છે. ત્યારપછીના ક્રમમાં માલગઢ ડેમ ક્ષેત્રમાં 315 મિ.મિ. (12.40 ઈંચ) વરસાદ વરસ્યો છે.