અમદાવાદની ખેલાડી તા. 19થી 24 સપ્ટે. દરમિયાન થાઇલેન્ડમાં અઋઈ ટુર્નામેન્ટ રમશે
ખાસ-ખબર સંવાદદાતા
એ.એફ.સી. અંડર-17 મહિલા ચેમ્પિયનશીપની ક્વોલિફાયર રાઉન્ડ-2 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એક માત્ર ગુજરાતી ખુશ્બુ સરોજની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદની 16 વર્ષની ફૂટબોલ ખેલાડી ખુશ્બુ સરોજ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રીય ટીમમાં મોટાભાગે મણીપુર અને ઓરિસ્સાની મહિલા ફૂટબોલરોનો દબદબો વધુ હોય છે. ત્યારે તેમની વચ્ચે ગુજરાતની ખેલાડીએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે પ્રવેશ મેળવતા ગુજરાત ફૂટબોલનું ગૌરવ વધાર્યું છે. ખુશ્બુ હવે 19 થી 24 સપ્ટેમ્બર દરમિયાન થાઇલેન્ડમાં એ.એફ.સી. અંડર-17 મહિલા ચેમ્પિયનશીપની ક્વોલિફાયર રાઉન્ડ-2માં ભાગ લેવા માટે રવાના થશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ખુશ્બુને તેની સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી હતી અને એસોસિએશન તરફથી રુા. 25,000ની રોકડ પ્રોત્સાહક રાશિ પ્રદાન કરવાની જાહેરાત કરી હતી. ખુશ્બુ સરોજ ગત વર્ષે ગુજરાતમાં રમાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની મહિલા ટીમ તરફથી સૌથી નાની ઉંમરમાં રમનારી પહેલી યુવા મહિલા ફૂટબોલર બની હતી.
- Advertisement -
ખુશ્બુએ ગુજરાતની સીનિયર મહિલા ટીમ તરફથી નેશનલ ચેમ્પિયનશીપમાં રમતા સૌથી વધુ છ ગોલ કર્યા હતા.