મોરબીમાં ફાયર NOC ન ધરાવતા
જો ત્રણ દિવસમાં નોટીસનું પાલન નહીં થાય તો સીલ લાગશે !
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ફાયર પ્રિવેન્શન એક્શન બાબતે અનેકવાર જવાબદાર તંત્રની બેદરકારી સામે આવી છે. આવી બેદરકારીના લીધે થયેલ દુર્ઘટનાઓમાં અગાઉ અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. રાજ્ય સરકારથી લઈ સ્થાનીક વહીવટી તંત્રની બેદરકારીના પાપે નાના બાળકોથી લઈ વૃધ્ધ લોકોનો જીવ ગયા બાદ હાઇકોર્ટે આ બાબતે કડક કાર્યવાહીના આદેશ આપતા સરકારને જાણે સદ્બુદ્ધિ આવી હોય અને વિવિધ નગરપાલીકા અને મહાનગરપાલિકામાં કડક એક્શન લેવામાં આવ્યા હતા જેનાં ભાગરૂપે શહેરી વિકાસ વિભાગ અને રાજ્ય આપતી વ્યવસ્થાપન વિભાગ દ્વારા જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા જેને લઈ દરેક નગરપાલિકા વિસ્તારમાં ફાયર સિસ્ટમ લગાવવા અને ફાયર વિભાગમાંથી એનઓસી લેવા આદેશ આપ્યો હતો જેને પગલે મોરબી નગરપાલિકા દ્વારા પણ 2021 માં મિલકતધારકોને નોટિસ ફટકારી ફાયર પ્રિવેન્શન સિસ્ટમ લગાવવા અને પાલિકા પાસેથી ઓબ્ઝર્વેશન સર્ટિફિકેટ લેવા આદેશ આપવામાં આવ્યો હતો.
મોરબી નગરપાલિકા દ્વારા આ સિસ્ટમ ન લગાવનાર મિલ્કત ધારકોને ઓક્ટોબર 2021માં નોટિસ ફટકારવામાં આવી હતી તેમ છતાં કેટલાક મિલ્કત ધારકોએ નગરપાલિકાની નોટીસનું પાલન ન કરતા ડિસેમ્બર 2021 માં બીજી નોટિસ ફટકારવામાં આવી હતી અને ફાયર સિસ્ટમ લગાવવા જણાવ્યું હતું. બે બે નોટિસ ફટકારી હોવા છતાં મોરબી પાલિકા વિસ્તારમાં આવેલા 156 બિલ્ડિંગોમાં ફાયર એનઓસી લેવામાં આવી ન હતી કે ફાયર સિસ્ટમ પણ લગાવવામાં આવી ન હતી જેથી મોરબી નગરપાલિકાના ઈન્ચાર્જ ચિફ ઓફીસર દ્વારા 156 બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં ફાયર સિસ્ટમ લગાવવા સૂચના આપવામાં આવી છે જો ત્રણ દિવસમાં સિસ્ટમ નહીં લગાવવામાં આવે તો આ મિલ્કત ધારકોને સીલ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.