પોરબંદર સાથેનુ સરદાર વલ્લભભાઈ પટેલનું ઐતિહાસિક સ્મરણ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.31
રાષ્ટ્રની અખંડિતતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો સાથે ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદરનું જોડાણ સરદાર સાહેબ સાથે એક ઐતિહાસિક ક્ષણ દ્વારા જોડાયેલું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ નજીક નિર્મિત પાવન કીર્તિ મંદિરનું લોકાર્પણ સ્વયં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે 27 મે, 1950ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રતિ વર્ષ અહીં ગાંધી જયંતિ અને શહીદદિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન થાય છે. આ ઐતિહાસિક ક્ષણની યાદગાર તસવીરો આજે પણ કીર્તિ મંદિર ખાતે પ્રદર્શિત છે, જે સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજી અને દેશની એકતાના શિલ્પી સરદાર પટેલના અમર સ્મરણોને તાજા કરે છે.
- Advertisement -
મહાત્મા ગાંધીજીને આગાખાન પેલેસમાં 1944-4પમાં નજરકેદમાંથી છોડયા પછી રાજરત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતાએ પૂ. બાપુને થોડો સમય પંચગીની રોકાવા આગ્રહ કર્યો. આ નિવાસ દરમિયાન નાનજી શેઠે પૂ. બાપુ સમક્ષ પોરબંદરની પ્રજાની અને પોતાની પૈતૃક ઘર પાસે સુંદર સ્મારક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. મહાત્મા ગાંધીજીએ પોતાનું ઘર શેઠ નાનજી કાલિદાસ મહેતાને વેચવાની સંમતિ આપી, અને પોતાનો પાવર ઓફ એટર્ની માણેકલાલ અમૃતલાલ ગાંધીને આપ્યો. આ જન્મસ્થળ મેળવ્યા પછી નાનજીભાઇએ ત્યાં અદભૂત સ્મારક બનાવડાવ્યું અને તેને આપણે કીર્તિમંદિર તરીકે ઓળખીએ છીએ. જે તે સમયે તેનો ખર્ચ પાંચ લાખ રૂપિયા થયો હતો. ગાંધીજીના 79 વર્ષના જીવનને સન્માન આપતું 79 ફૂટ ઊંચું આ કીર્તિ મંદિર દરેક પોરબંદરવાસીઓ માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે, પોરબંદર જિલ્લાની સરકારી કચેરીઓના કર્મચારીઓ દ્વારા દેશની અખંડિતતા અને એકતા જાળવવાના શપથ લેવાયા હતા, તેમજ ‘રન ફોર યુનિટી’ સહિતના રાષ્ટ્રભાવનાસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સરદારના એક ભારતના સંદેશને મૂર્તિમંત કરે છે.



 
                                 
                              
        

 
         
         
        