રાજકોટ ST ડિવિઝનને દિવાળી ફળી, 100 એકસ્ટ્રા બસનું સંચાલન કરાયુ
છેલ્લા બે દિવસમાં જ 2.12 લાખ મુસાફર અને રૂ.1.56 કરોડની આવક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ પર રાજકોટ એસટી ડિવિઝનને બમ્પર આવક થઈ છે. તહેવારને ધ્યાનમાં રાખી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 100 એકસ્ટ્રા બસનું સંચાલન કરવામા આવ્યુ હતું જેથી કુલ 9 દિવસમાં ડિવિજનના 9 ડેપો પરથી કુલ 15,003 ટ્રીપ દોડાવી હતી. જેમાં 7,97,775 મુસાફરોએ મુસાફરી કરતા એસટી ડિવિજનને રૂ.5,81,40,640ની કમાણી થઈ છે. તો તા.18થી 24 ઓક્ટોબર સુધીમાં એટલે કે સાત દિવસમાં ફક્ત એકસ્ટ્રા બસના સંચાલનમાં જ 513 ટ્રીપ દોડાવવામાં આવી હતી તેમાં 24,534 મુસાફરોએ મુસાફરી કરતા રૂ.49,72,143ની કમાણી કરી હતી. તો છેલ્લા બે દિવસમાં એટલે તા.25 અને 26ના જ કુલ 2,12,454 મુસાફરો નોંધાયા અને રૂ.1,56,09,506ની આવક થઇ હતી.
રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ કહ્યું કે, દિવાળી પર્વનો આનંદ માણવા વતન જતા કે આવતા લોકોએ સલામત સવારી ગણાતી એસટી બસની મુસાફરી કરી હતી. જેના થકી હાલ 545 જેટલી ટ્રિપની દૈનિક અવરજવર છે. એટલું જ નહીં તહેવારને ધ્યાન રાખતા 100 એકસ્ટ્રા બસનું સંચાલન કરાયુ હતું જેમાં લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. તા.18 થી 26 ઓક્ટોબર દરમિયાન એસટી વિભાગ દ્વારા 15,003 ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેમાં 7,97,775 લોકોએ મુસાફરી કરતા રૂ.5,81,40,640 ની આવક થઈ હતી. શરૂઆતના દિવસોમાં લોકો પોતાના વતન ઉજવણી કરવા માટે જતા હોવાથી રાજકોટથી અમદાવાદ, ભુજ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, સુરત, વડોદરા સહિતની એસટી બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. 18 ઓક્ટોબરના 93,911 મુસાફરો નોંધાયા હતા. તો દિવાળીનો તહેવાર પૂર્ણ થતા જ ત્રીજ, ચોથ અને લાભ પાંચમના દિવસે દૈનિક મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે. લાભપાંચમના દિવસે સૌથી વધુ 1,06,399 મુસાફરોએ મુસાફરી કરી છે.
એસટી ડિવિઝનમાં 9 દિવસમાં નોંધાયેલા આંકડા
તારીખ આવક ટ્રીપ મુસાફરોની સંખ્યા
18 70,71,426 1,719 93,911
19 73,81,812 1,822 92,525
20 59,89,475 1,704 78,684
21 49,16,370 1,589 70,540
22 44,75,532 1,188 60,808
23 61,40,423 1,576 85,316
24 65,56,096 1,796 1,03,537
25 78,93,114 1,860 1,06,055
26 77,16,392 1,749 1,06,399
કુલ 5,81,40,640 15,003 7,97,775
- Advertisement -



