ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાનાં માખીયાળા ગામ નજીક આવેલ હાઇવે રોડ ઉપર અહેમદ ઓવરસીઝ નામના કારખાનામાં ગત તા.31-12થી 19-1 દરમિયાન લાખો રૂપિયાની જીરા ચોરીની ફરિયાદ ફેજલભાઇ સોરઠીયાએ તાલુકા પોલીસમાં નોંધાવી હતી. જેના આધારે ચોરીના આરોપીને ઝડપી લેવા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીએ સુચના આપતા જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.એચ.સીંધવ તથા પીએસઆઇ જે.જે.ગઢવી સહિતના સ્ટાફે લાખો રૂપિયા જીરા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આજરોજ પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ચોરી મામલે જણાવ્યુ હતુ કે, જૂનાગઢ ક્રાઇમ બ્રાંચને ચોકકસ મળેલી કકીકતના આધારે જીરા ચોરીના આરોપી દોલતપરા વિસ્તારમાં પ્યાગો રીક્ષામાં આંટા ફેરા મારતા હોવાનું જાણવા મળતા તેને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં ઝડપાયેલા પાંચ શખ્સોને પુછ પરછ કરતા માખીયાળા રોડ પર આવેલ કારખાનામાં લોખંડના ભંગારની ચોરી કરેલ અને તેની બાજુના બીજા કારખાનામાં જીરાની બોરીઓ પડેલ હોય જેની પણ ચોરી કરેલ હતી. એમ 20 દિવસના અંતરમાં પાંચેય શખ્સોએ 15 લાખ જેટલા જીરાની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. ઝડપાયેલ વિજય મુકેશ સોલંકી, પ્રવિણ મંજી સોલંકી, વિજય સુભાષ ચિખલીયા, રાહુલ મુકેશ સોલંકી, લાખા ઉર્ફે લખન કાંતીભાઇ ચિખલીયા રહે.તમામ જૂનાગઢને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપી પાસેથી જીરાના બાચકા નં.89 જેની કિંમત 11.18 લાખનું જીરૂ રિકવર સાથે રોકડ 91 હજાર અને મોબાઇલ નં.5, જેની કિંમત 32 હજાર સાથે ઝડપી લેવામાં સફળતા મળી હતી અને પાંચેય આરોપીને તાલુકા પોલીસ સ્ટેશનમાં રજુ કરી વધુ રિમાન્ડની માંગણી સાથે અન્ય ચોરીઓમાં સંડોવણી છે કે નહીં તે દીશામાં વધુ તપાસ હાથ ધરી છે.