અડધો ડઝન પ્લોટમાંથી દબાણો હટાવવા નોટિસ અપાઇ
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગર શહેરના ઘોઘારોડ 14 નાળા વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના 6 પ્લોટમાં ગેરકાયદેસર 145 બાંધકામો પર કોર્પોરેશને 260-2ના હુકમ દ્વારા બુલડોઝર ફેરવવાની તૈયારી આરંભી દીધી છે.15 દિવસ બાદ દબાણકર્તાઓના ખર્ચે અને જોખમે તોડી પાડવા તમામને નોટિસ બજવણી પણ કરવામાં આવી છે.
- Advertisement -
મહાનગરપાલિકાના માલિકીના પ્લોટોમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ સંદર્ભે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દબાણકારો દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જેથી હાઇકોર્ટ દ્વારા પણ નીતિ નિયમ અનુસાર નોટિસ પાઠવી કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
હુકમ અનુસાર કોર્પોરેશને 260/1ની નોટિસ આપ્યા બાદ દબાણકારોના 14 પ્રતિનિધિઓને રૂબરૂ સાંભળ્યા હતા. જેમાં તેઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને માંગણી કાયદાકીય તથા પ્રવર્તમાન નિયમો સાથે સુસંગત નહીં હોવાથી કમિશનર દ્વારા માગણી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી.
ત્યારબાદ કમિશનર દ્વારા અગાઉ જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેને મક્કમ રીતે પકડી રાખી ગત 1લી જુલાઈના રોજ 145 ગેરકાયદેસર બાંધકામો સામે 260-2 નો હુકમ કરવામાં આવ્યો છે. જેની આજે ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા રૂબરૂ તમામ અનઅધિકૃત બાંધકામો ધરાવતા લોકોને નોટિસની બજવણી કરવામાં આવી હતી.
- Advertisement -
હુકમ મુજબ નોટિસની બજવણી કરવામાં આવી હતી. હુકમ મુજબ આગામી 15 દિવસ બાદ દબાણકારોના ખર્ચે અને જોખમે ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવશે.