સુરેન્દ્રનગર મનપાની મોબાઈલ એપ્લિકેશનમાં ફરિયાદોનો વરસાદ
સૌથી વધુ ભૂગર્ભ ગટરની 150 ફરિયાદ જ્યારે રોડ રસ્તાની 168 ફરિયાદ મળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર મનપા દ્વારા 15 દિવસ પહેલા મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાઈ હતી. જેમાં નાગરિકો પોતાના વિસ્તારની ફરિયાદોના ફોટા અપલોડ કરી શકે તેવી વ્યવસ્થા હતી. આ એપ્લિકેશનમાં ફરિયાદોનો વરસાદ થયો હોય તેમ 15 દિવસમાં 1281 ફરિયાદ મળી હતી. જેમાંથી 800 ફરિયાદ ઉકેલાયાનું તંત્રે જણાવ્યું હતું. સુરેન્દ્રનગર મનપા દ્વારા વહીવટી સરળતા માટે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાઈ હતી. જેમાં નાગરિકો પોતાના વિસ્તારની ફરિયાદોના ફોટા અપલોડ કરી શકે તેવી વ્યવસ્થા હતી. આ એપ્લિકેશન દ્વારા અત્યાર સુધીમાં આશરે 1281 ફરિયાદ નોંધાઈ છે, જે પૈકી 800થી વધુ ફરિયાદ એટલે કે આશરે 63 ટકા ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હોવાનું તંત્રે જણાવ્યું હતું.
એપ્લિકેશનમાં જંતુનાશક દવા છંટકાવ સંબંધી 28 ફરિયાદ મળી હતી, જે પૈકી 26 ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું હતું. જ્યારે સિવિલ ઈજનેરી વિભાગની ખાડા પૂરવા માટે 16 ફરિયાદમાંથી 5 ફરિયાદ, પીવાલાયક પાણી સંબંધી 76 ફરિયાદમાંથી 36 ફરિયાદો, ભૂગર્ભ ગટર સંબંધી 150 ફરિયાદમાંથી 86 ફરિયાદ, રોડ-રસ્તા સંબંધી 168 ફરિયાદમાંથી 115 ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું હતું. સૌથી વધુ ફરિયાદો સેનિટેશન વિભાગની ખુલ્લી અને ભૂગર્ભ ગટર સફાઈની મળી હતી. આ અંગે કુલ 219 ફરિયાદમાંથી 131 ફરિયાદ, સફાઈ સંબંધી 185 ફરિયાદમાંથી 156 ફરિયાદનો ઉકેલ કરાયો હતો. તેમજ જર્જરિત બાંધકામ સંબંધી 12 ફરિયાદમાંથી 6 ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું હતું. શહેરમાં જાહેર શૌચાલય સંબંધિત 4 ફરિયાદો મળી હતી જે પૈકી તમામ ફરિયાદનું નિવારણ અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની 10 ફરિયાદમાંથી 8 ફરિયાદનું નિવારણ તથા રમતગમત વિભાગની બાગ-બગીચા સંબંધી 7 ફરિયાદમાંથી 3 ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું છે. રખડતાં ઢોર સંબંધિત કુલ 27 ફરિયાદમાંથી 22 ફરિયાદ ઉકેલવામાં આવી અને સિટી બસ સંબંધિત કુલ 2 ફરિયાદ મળી હતી, જે પૈકી 1 ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું હતું. સ્ટ્રીટ લાઇટ સંબંધી 377 ફરિયાદોમાંથી 202 ફરિયાદનું નિવારણ કરાયું હતું.