જયસુખ પટેલ હવે ભાગેડું આરોપી
ચાર્જશીટમાં 10માં આરોપી તરીકે અંતે જયસુખ પટેલનું નામ ઉમેરાયું
- Advertisement -
ઘટનાનાં ત્રણ મહિના પછી હત્યારા જયસુખ પટેલને આરોપી બનાવવાનું સૂઝ્યું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પુલ દુર્ઘટના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. આ કેસને 90 દિવસ પૂર્ણ થતા તપાસનીસ અધિકારીના નિવેદન સહિત 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કેસમાં જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે ઉમેરાયું છે. તદુપરાંત ચાર્જશીટમાં કુલ 10 આરોપીઓના પણ નામ લખવામાં આવ્યા છે. મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે. મોરબી દુર્ઘટના મામલે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરી હતી. ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ આરોપી ગણાવવામાં આવશે. આ ચાર્જશીટ આવતા અઠવાડિયે ફાઈલ કરવામાં આવશે.
- Advertisement -
ભાગેડુ જયસુખ પટેલ અંગે ખાસ-ખબરના તમામ અહેવાલ અક્ષરશ: સાચા ઠર્યા
મોરબી ઝૂલતા પુલ હોનારતના માત્ર એક કલાકમાં જ ખાસ-ખબર દ્વારા સૌ-પ્રથમ ઓરેવાના માલિક જયસુખ પટેલ પર સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધાવો જોઈએથી લઈને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ભાગેડુ જયસુખ પટેલ સપરિવાર ક્યાં છૂપાયેલો છે તે અંગે તમામ હકીકત રજૂ કરવામાં આવી હતી. ખાસ-ખબર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી જયસુખ પટેલના ઝૂલતા પુલ સિવાયના અન્ય કાળા કારનામાઓ પણ વિસ્તૃત પ્રકાશિત કરવામાં આવ્યા છે ત્યારે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના છેક ત્રણ મહિના બાદ જયસુખ પટેલને ભાગેડુ જાહેર કરી સમગ્ર મામલાની ચાર્જસહિતમાં તેનું નામ ઉમેરવામાં આવ્યું છે. જો એ સમયે પોલીસ-પ્રશાસનમાં નીતિ ચોખ્ખી હોતી તો આજે આરોપી જયસુખ પટેલ જેલના સળિયા પાછળ હોતો અને ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળી રહ્યો હોત.