ન્યાયિક પ્રણાલીને ટેકનોલોજીયુક્ત બનાવવા હકારાત્મક નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં કાયદા વિભાગ દ્વારા રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના 1200 ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે 1200 ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. 80,000ની કિંમતના ટેબ્લેટ અને રૂ. 20,000ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 15 કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે.
ભારતીય ન્યાય સંહિતાના નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇગજજ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમના અસરકારક અમલીકરણ માટે ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશોને અદ્યતન ટેકનોલોજીના સાધનો આપવાનો નિર્ણય કર્યો છે. આ પહેલ ઈ-કોર્ટ મિશન મોડ અને ભારત સરકાર તથા ગુજરાત સરકારની ઈઝ ઓફ ડૂઈંગ જસ્ટિસ નીતિના ભાગરૂપે કરવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત સરકારની ન્યાય વ્યવસ્થાને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેનાથી ન્યાયિક અધિકારીઓને તેમના કાર્યમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમતા અને ચોકસાઈ લાવવામાં મદદ મળશે. આ પહેલ રાજ્યની ન્યાય વ્યવસ્થાને ડિજિટલ યુગ સાથે સાંકળીને નાગરિકોને ઝડપી અને પારદર્શક ન્યાય અપાવવાના લક્ષ્યને વેગ આપશે.