વાઈલ્ડ લાઈફ પ્રેમીઓમાં આઘાત : શિકારની ગંભીર ઘટનાથી સરકાર એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
નવા વર્ષની શરૂઆતમાં વાઘપ્રેમીઓ માટે ચિંતા વધારવાના સમાચાર સામે આવ્યા છે. વિદર્ભમાં 2025ની શરૂઆત વાઘોનાં મૃત્યુની સાથે થઇ છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ એટલે કે બાવીસ દિવસમાં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં કુલ 11 વાઘનાં મૃત્યુ થયાં છે. આ 11 મૃત્યુમાંથી બે વાઘનાં મોત શિકારને કારણે થયાં છે. યવતમાળ જિલ્લામાં એક વાઘનો શિકાર કરવામાં આવ્યો હતો, જ્યારે ભંડારા જિલ્લામાં એક અન્ય વાઘનું મૃત્યુ શિકારને કારણે થયું હતું. આ બંનેમાંથી એક મામલામાં વાઘના ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા, જ્યારે બીજા મામલામાં વાઘના નખ અને દાંત ગુમ થયેલા હતા. આનાથી ભયાનક વાત તો એ હતી કે, બે બચ્ચાંના મૃતદેહ પાંચ-છ મહિના બાદ મળ્યા હતા, જ્યારે બે વાઘનાં મૃત્યુ અંદરોઅંદરની લડાઈમાં ઘાયલ થવાને કારણે થયાં હતાં. બીજી બાજુ અન્ય મોત પણ શંકાસ્પદ હોવાનું કહેવાઈ રહ્યું છે.
- Advertisement -
મહારાષ્ટ્રમાં વાઘોના શિકારનો મામલો ફરી એક વાર ગંભીરતાપૂર્વક સામે આવ્યો છે. 2025ની શરૂઆતમાં વાઘોનાં મૃત્યુ સાથે થઇ હતી અને માત્ર 22 દિવસમાં જ 11 વાઘનાં મોત ખૂબ જ ગંભીર અને ચિંતાજનક માનવામાં આવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બહેલિયા ગેંગના શિકારી મહારાષ્ટ્રના તાડોબા, પેંચ અને મેલઘાટ ક્ષેત્રોમાં વાઘોનો શિકાર કરી રહ્યા છે. બે વર્ષ પહેલાં બાવરિયા નામના વાઘોનાં અંગોની તસ્કરી કરનારી ટોળકીએ પણ મહારાષ્ટ્રમાં વાઘોનો શિકાર કર્યો હતો. આ વર્ષે 11માંથી વધુ મૃત્યુ વાઘ પ્રોજેક્ટ અને અભયારણ્યોની બહાર થયાં છે.