અસમનાં કાર્બી આંગલોંગમાં હિંસા
સેના સહિત 700 જવાનોની 12 ગામોમાં ફ્લેગ માર્ચ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અસમનાં 12 લાખની વસતિવાળા સ્વાયત્ત કાર્બી આંગલોંગમાં આ સમયે તમે કોઈની પણ સાથે વાત કરશો, તો કદાચ જવાબ ન મળે, કારણ કે હિંસાનો ભય લોકોના દિલ અને દિમાગમાં બેસી ગયો છે. ઘરોમાં ચૂલા ઠંડા પડ્યા છે. બજારો બંધ છે. મોબાઇલ ડેટા સર્વિસ બંધ છે.
22-23 ડિસેમ્બરે અહીં સ્થાનિક કાર્બી આદિવાસી અને ‘બાહ્ય’ લોકો વચ્ચે થયેલી હિંસામાં 2 લોકોનાં મોત થયાં હતાં. 60 પોલીસકર્મીઓ સહિત 150થી વધુ લોકો ઘાયલ છે. તેમાં એક દિવ્યાંગ સૂરજ ડેને ભીડે જીવતો સળગાવી દીધો હતો.
ઘણા મીડિયાની ટીમ વેસ્ટ કાર્બી આંગલોંગના ખેરોની ઘાટ પહોંચી, ત્યારે પીડિત પરિવારોએ નામ ન છાપવાની શરતે ફક્ત એટલું જ જણાવ્યું કે તેઓ ત્રણ દિવસથી સૂતા નથી.
આ ભય જિલ્લાના એ 12 ગામોમાં છે, જ્યાં વિવાદ છે. આ ગામોમાં અસમ પોલીસ, રેપિડ એક્શન ફોર્સ (RAF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને ભારતીય સેનાના લગભગ એક હજાર જવાનો તહેનાત છે.
કાર્બી જનજાતિના સંગઠનોનો દાવો છે કે જિલ્લામાં અમારી વસતિ હવે માત્ર 35% જ બાકી છે. બાકીના 65% બહારના લોકો છે, જેઓ નેપાળ, યુપી અને બિહારના હિન્દી ભાષી લોકો છે. જ્યાં વિવાદ છે, તે ગામોમાં વસતિ લગભગ 11 હજાર છે.
બુધવારે રાત્રે બંને મૃતકોના અંતિમ સંસ્કાર સ્થાનિક રિવાજો મુજબ કરવામાં આવ્યા. દિવ્યાંગ યુવક સુરેશ ડેનો મૃતદેહ તેની દુકાનમાંથી મળી આવ્યો હતો, જેને કાર્બી ભીડે આગ લગાડી દીધી હતી, જ્યારે સ્વદેશી જનજાતિના અથિક તિમુંગનું પોલીસ ફાયરિંગમાં મૃત્યુ થયું હતું.
કાર્બી સમુદાયના આંદોલનકારીઓ 15 દિવસથી ભૂખ હડતાળ પર હતા. આ લોકો કાર્બી આંગલોંગ અને વેસ્ટ કાર્બી આંગલોંગમાં વિલેજ ગ્રેઝિંગ રિઝર્વ (ટૠછ) અને પ્રોફેશનલ ગ્રેઝિંગ રિઝર્વ (ઙૠછ) જમીનો પરથી ગેરકાયદેસર વસાહતીઓને હટાવવાની માગ કરી રહ્યા હતા. ગેરકાયદેસર વસાહતમાં મોટાભાગના બિહારના રહેવાસીઓ છે.
પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયેલા ત્રણ કાર્બી યુવકોની ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને તેમની હાલત સ્થિર છે.
હિંસાનું કારણ 7184 વીઘા જમીન, કાર્બી લોકોનો દાવો- તેના પર બહારના લોકોએ કબજો કર્યો
- Advertisement -
કાર્બી આંગલોંગ ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ રચાયેલ એક સ્વાયત્ત ક્ષેત્ર છે. અહીંની જમીન કાર્બી આદિવાસીઓ માટે અનામત છે. 1971માં જિલ્લામાં કાર્બી લોકોની વસતિ 65% હતી, જે 2011 સુધીમાં ઘટીને 56.3% રહી. કાર્બી જનજાતિના સંગઠનોનો દાવો છે કે હવે ખેરોની જેવા બજારોમાં વેપાર અને વસાહત મુખ્યત્વે હિન્દી ભાષી (જેમ કે બિહારી નોનિયા સમુદાય)ના હાથમાં છે. પશ્ર્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં કાર્બી અને બિહારી સમુદાયના લોકો આદિવાસી વિસ્તારોમાં વિલેજ ગ્રેઝિંગ રિઝર્વ (ટૠછ) અને પ્રોફેશનલ ગ્રેઝિંગ રિઝર્વ (ઙૠછ) જમીનો પર હિન્દી બોલતા લોકોના અતિક્રમણના આરોપોને લઈને આમને-સામને છે. જિલ્લાની 7184 વીઘાથી વધુ સંરક્ષિત જમીન પર બહારના લોકોનો કબજો થઈ ગયો છે. આ એક મોટો ચરાઈનો વિસ્તાર છે, જેના પર હવે બિહાર, યુપી અને નેપાળ મૂળના પરિવારો રહી રહ્યા છે.
ગઈ 6 ડિસેમ્બરે ખેરોનીના ફેલાંગપીમાં કાર્બી લોકો ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. સોમવારે સવારે પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને બળજબરીથી હડતાળ પરથી હટાવી દીધા. આ પછી સેંકડો કાર્બી લોકો એકઠા થયા અને તેમણે સૂત્રોચ્ચાર શરૂ કર્યા. પછી બહારના લોકોએ પણ વિરોધ દર્શાવ્યો તો હિંસા ભડકી ઉઠી.



