80 ટકા દિવ્યાંગોને પણ 100 ટકા સાધનો આપવા સરકારનો મહત્વનો નિર્ણય
પરસોતમ રૂપાલાએ કહ્યું- દિવ્યાંગોનું સન્માન વધારવા સરકાર પ્રયત્નશીલ
જિલ્લામાં 27 કેમ્પો દ્વારા 2613 લાભાર્થીઓને 3.66 કરોડથી વધુ રકમની સહાય વિતરણ કરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાન ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો. જેમાં 1091 જેટલા લાભાર્થીઓને કુલ 1.44 કરોડથી વધુ રકમના 1720 દિવ્યાંગ સહાયક ઉપકરણ આપવામાં આવ્યા હતા. આ તકે રાજકોટનાં સાંસદ પરસોતમ રૂપાલા તેમજ રામભાઈ મોકરિયા સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. રૂપાલાએ જણાવ્યું હતું કે 80 ટકા દિવ્યાંગોને પણ 100 ટકા સાધનો આપવા મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દિવ્યાંગોનું સન્માન વધારવા સતત પ્રયત્નશીલ છે. પ્રાપ્ત વિગત મુજબ નવી દિલ્હીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા એ.ડી.આઈ.પી. સ્કીમ અંતર્ગત એલીમ્કો કંપનીના સહયોગથી દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટ ગ્રામ્યના 57 લાભાર્થીઓને રૂ. 12.75 લાખથી વધુ રકમની 91 સાધન સહાય, શહેરના 915 લાભાર્થીઓને રૂ. 1.08 કરોડથી વધુ રકમના 1506 સાધન સહાય તેમજ જિલ્લાના 119 લાભાર્થીઓને રૂ. 23 લાખથી વધુ રકમના ખર્ચે 123 સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દિવ્યાંગોનું સન્માન વધારવાનો છે. વડાપ્રધાન મોદીનો તમામ જન કલ્યાણકારી યોજનાઓમાં હંમેશા સંવેદનશીલ અભિગમ રહ્યો છે. જે અંતર્ગત 80 ટકા કરતા વધુ દિવ્યાંગતા હોય તેને 100 ટકા સાધન સહાય આપવા નિયમ વર્તમાન સરકારે બનાવ્યો છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2613 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 3.66 કરોડથી વધુ રકમના સાધનો વિતરણ કરાયા છે. જેમાં સરકારનો પારદર્શક વહીવટ જોવા મળે છે. આ સાધનો આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દિવ્યાંગોને કાયમી રીતે મદદરૂપ થઈને માર્ગદર્શન આપી શકાય તે માટે આગામી સમયમાં રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે પણ પ્રધાનમંત્રી દિવ્યાસા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે.