વિદ્યાર્થીઓના માધ્યમથી અનેક કાર્યક્રમો યોજી ઘર ઘર સુધી પહોંચી મતદાર જાગૃતિ અભિયાન સાર્થક બનાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.8
- Advertisement -
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ મહા ઉત્સવમાં સૌ કોઈ સહભાગી બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તા. 7મેના રોજ લોકશાહીના આ મહાપર્વ અંતર્ગત મતદાન પ્રક્રિયા યોજનાર છે. આ મતદાન પ્રક્રિયામાં એક પણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ ઓફિસર અને શિક્ષણ અધિકારીશ્રી વિનોદ પરમારની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના માધ્યમથી મતદાર જાગૃતિ અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓના માધ્યમથી આ મતદાન જાગૃતિ અભિયાન સાર્થક બની રહ્યું છે.
સ્વીપના મદદનીશ અધિકારી જીગ્નેશ પ્રશ્નાણીની ટીમ શાળા કોલેજોમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. પોરબંદર જિલ્લાની 22 કોલેજના 10,325 વિદ્યાર્થીઓ આ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા છે. કોલેજોમાં સંકલ્પ પત્રો વિતરણ કરવામાં આવી રહ્યા છે. તેમજ રેલી, મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને અવશ્ય મતદાન કરશું તેમજ પરિવારજનોને મતદાન કરાવશુંના શપથ ગ્રહણ કરવામાં આવી રહ્યા છે. તો સાઈનીંગ કેમ્પેઇનનું પણ આયોજન થઈ રહ્યું છે. આમ વિદ્યાર્થીઓના માધ્યમથી મતદાન જાગૃતિ અભિયાનને વધુ વેગ વંતુ બનાવવામાં આવ્યું છે.



