ખાસ-ખબર સંવાદદાતા
પૂર્વી ઈરાનમાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. ઈરાનના સરકારી ટીવીના અહેવાલ મુજબ બુધવારે પેસેન્જર ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે. અધિકારીઓએ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઇ છે.અહેવાલ મુજબ, ઈરાનના રણ શહેર તબાસ પાસે સવારના અંધારામાં ટ્રેનના સાતમાંથી ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ટ્રેન અકસ્માત રાજધાની તેહરાનથી લગભગ 550 કિલોમીટર (340 માઇલ) દૂર તબાસ શહેરથી ઓછામાં ઓછા 30 માઇલ દક્ષિણપૂર્વમાં થયો હતો. આ સ્થળ તબાસ શહેરને યઝદ શહેર સાથે જોડે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રેન એક એક્સેવેટર સાથે અથડાઈ હતી.