મોરબી તાલુકા પોલીસે મુસાફરની ફરિયાદના આધારે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો
ખાસ-ખબર સંવાદદાતા
માળીયા હાઈવે પર આવેલ ખાખરેચી ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરના સમયે એસટી બસ ટેન્કર પાછળ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસના ડ્રાઈવર સહિત દસેક જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી. હાલમાં આ બનાવ અંગે મુસાફરી કરતા યુવાનની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માળીયા હળવદ હાઈવે પર આવેલ ખાખરેચી ચોકડી પાસે ગઈકાલે બપોરના સમયે અચાનક એક એસટી બસ આગળ પાણી ભરીને જઈ રહેલા ટેન્કર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર ડિવાઈડર પર ચઢી ગયું હતું તો એસટી બસની ડ્રાઈવર સીટ તરફનો ભાગ મોટા પ્રમાણમાં ડેમેજ થયો હતો. આ ઘટનામાં બસચાલક સહીત દસેક જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી જોકે ઘટનાની જાણ થતા જેતપર, માળીયા લોકેશનની 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત લોકોને જેતપર સીએચસી સારવાર અર્થે ખસેડ્યા હતા જયારે બસના ડ્રાઈવરને વધુ ઈજા પહોંચી હોય મોરબીની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઈજા પામેલા શિવમ હરેશભાઇ રાજગોરને બંને પગમાં ફ્રેક્ચર થવાની સાથે માથામાં ઈજા પહોંચતા એસટી બસ જીજે-18-ઝેડ-7515 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.