કરદાતાઓએ રાજકોટ મનપાની તિજોરી છલકાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ એડવાન્સ ટેક્સ ભરનારા પ્રામાણિક કરદાતાઓ માટે વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. આ વર્ષે મનપાની આ યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.92 લાખ કરદાતાઓએ રૂ.120 કરોડ રૂપિયા મનપાની તિજોરીમાં ઠાલવીને તિજોરી છલકાવી દીધી છે. જેમાં પણ 70% જેટલા નાગરિકો એટલે કે 1.37 લાખ જેટલા લોકોએ વેરાની ઓનલાઈન ચુકવણી કરી છે.
મ્યુ. કમિશનર આનંદ પટેલનાં જણાવ્યા મુજબ એડવાન્સ ટેક્સ પેમેન્ટની યોજનાને હાલ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 8 એપ્રિલથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધીમાં 1,92,000 જેટલા કરદાતાઓએ રૂ.120 કરોડ વેરો ચૂકવ્યો છે. જે માટે રાજકોટનાં નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું. સૌથી સારી બાબત એ છે કે, ઓનલાઈન ચુકવણી કરતા મિલકત ધારકોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. 1,37,000 નાગરિકોએ અલગ-અલગ ઓનલાઈન માધ્યમો દ્વારા પોતાનો ટેક્સ ચૂકવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રતિવર્ષે મહાનગરપાલિકા દ્વારા વેરા વળતર યોજના અમલમાં મુકવામાં આવે છે. જેમાં 31 મે સુધી 10% અને 30 જૂન સુધી 5%નું વળતર એડવાન્સ વેરો ભરનારા પ્રામાણિક કરદાતાઓને અપાય છે. હાલ 10%ની યોજના અમલમાં હોવાથી અત્યાર સુધીમાં અંદાજે રૂ. 12 કરોડ જેટલું વળતર પણ લોકોને મનપા દ્વારા ચુકવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ હજુ આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટેની અપીલ પણ તેમણે કરી હતી.
50%થી વધુ વેરો માત્ર બે મહિનામાં વસુલાય તેવી સંભાવના
8 એપ્રિલથી શરૂ થયેલી આ યોજનાનો અત્યાર સુધીમાં 1.92 લાખ નાગરિકોએ રૂ.120 કરોડ ચૂકવી દીધા છે. હજુ ચાલુ મહિનાના 15 દિવસ 10 ટકા અને આગામી મહિનામાં 5 ટકા વેરા વળતરની યોજના પણ ચાલુ રાખવામાં આવનાર છે. ત્યારે જૂન માસના અંત સુધીમાં કુલ વસુલાતનો આંકડો 200 કરોડને પાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ ગત વર્ષની કુલ વસુલાતનાં અંદાજે 50%થી વધુ વેરો માત્ર બે મહિનામાં વસુલાય તેવી સંભાવના છે.