-બોગસ-ડુપ્લીકેટ લાભાર્થીઓને હટાવાતા 18000 કરોડની બચત થવાનો અંદાજ
કેન્દ્ર સરકારની પીએમ કિસાન સમ્માન નિધિ, મનરેગા, ખાતર સબસીડી જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓમાં મોટી સંખ્યામાં બોગસ લાભાર્થીઓ ઘુસી ગયા છે અને તેઓની ઓળખ કરીને ચાલુ વર્ષે રૂા.18000 કરોડની બચત થવાનો અંદાજ મુકયો છે.
- Advertisement -
કેન્દ્ર સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મોટી સંખ્યામાં બોગસ લાભાર્થીના ખાતા બ્લોક કરી જ દેવાયા છે. બોગસ અને ડુપ્લીકેટ લાભાર્થીઓની ઓળખ મેળવીને ચાલુ વર્ષે 18000 કરોડ બચાવી શકાશે.
પીએમ કિસાન સમ્માન નિધિમાં અત્યાર સુધીમાં 1.71 કરોડ બોગસ કે ડુપ્લીકેટ લાભાર્થીઓને હટાવવામાં આવ્યા છે. છેલ્લા છ મહિનાથી કેન્દ્ર તથા રાજયોની સરકારો લાભાર્થીઓના ડેટાબેઈઝની ચકાસણી કરતી હતી. બોગસ અને ડુપ્લીકેટ લાભાર્થી હટાવાય રહ્યા છે. યોગ્ય વ્યક્તિને જ સરકારી યોજનાઓના લાભ મળે તેવો આશય છે. ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર પીએમ કિસાન યોજનામાં જ બોગસ લાભાર્થી હટાવાતા 9000 કરોડની બચત થવાનો અંદાજ છે.
પીએમ કિસાન યોજનામાં નાના ખેડુતોને ત્રણ હપ્તામાં વર્ષે રૂા.6000ની રોકડ સહાય આપવામાં આવે છે. કિસાનોના બેંક ખાતામાં જ નાણાં જમા થાય છે. ફેબ્રુઆરી 2019માં લોંચ થયા બાદ 11.5 કરોડ ખેડુતોને રૂા.2.40 લાખ કરોડ આપવામાં આવ્યા છે. ચાલુ નાણાવર્ષ માટે 60000 કરોડની બજેટ ફાળવણી છે.
- Advertisement -
આ ઉપરાંત સબસીડીયુક્ત ખાતર ઉદ્યોગોને વેચી દેવાની ગેરરીતિ વિશે પણ તપાસ માટે ખાસ સ્કવોડ રચવામાં આવી છે તેના દ્વારા 30 કેસો પકડીને 80000 ખાતર બેગ જપ્ત કરવામાં આવી છે. કૌભાંડકારો સામે કાળાબજાર નિયંત્રણ ધારા હેઠળ ગુના દાખલ કરાયા છે. કેન્દ્ર સરકારે મોટી સબસીડી ચુકવીને ખેડુતોને રૂા.266માં ખાતરની થેલી આપે છે તેમાં સબસીડીની રકમ 2500 રૂપિયા છે. ખાતર સબસીડી માટે ચાલુ વર્ષના બજેટમાં રૂા.1.75 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. જો કે, સબસીડી પેટેનું બીલ 2.25 લાખ કરોડ સુધી પહોંચી જાય તેમ છે.
મનરેગામાં કેન્દ્ર સરકારે ગત વર્ષે 33 લાખ બોગસ કે ડુપ્લીકેટ જોબકાર્ડ પકડી પાડયા હતા અને તેમાં અંદાજીત 4000 કરોડની બચત થવાનો અંદાજ છે. મનરેગા માટે ચાલુ વર્ષે માત્ર 60000 કરોડની જ ફાળવણી કરવામાં આવી છે જે ગત વર્ષ કરતા 18 ટકા ઓછી હતી.