ખરીદી પ્રક્રિયામાં કરોડોનો ભ્રષ્ટાચાર: સ્ટોર વિભાગના અધિકારી જ માસ્ટર માઇન્ડ
કેન્દ્ર સરકાર દ્વારા રેલવે અને અન્ય સરકારી ઓફિસમાં થતી ખરીદીની પ્રક્રિયા વધુ સુદૃઢ અને પારદર્શક બનાવવાના હેતુથી જેમ નામનું પોર્ટલ શરુ કરી તમામ ખરીદી તેના દ્વારા જ કરવાનું શરુ કરાયું છે. પરંતુ અમુક પેધી ગયેલા સરકારી બાબુઓ પોતાની ખાયકી કરવાના નત-નવા નુસ્ખા શોધી કાઢતા હોય છે. તે જ પ્રમાણે રાજકોટ રેલવે ડિવિઝનમાં પણ શુઝની ખરીદી કરવામાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં ગવર્નમેન્ટ પોર્ટલ જેમના માધ્યમથી ખરીદી કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ એક ઉચ્ચ અધિકારી દ્વારા પોતાની સેટ કરેલી પાર્ટીના માધ્યમથી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
હાલ, રાજકોટ ડિવિઝનમાં શુઝ ખરીદી કરવા માટેનું એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ વાર ટેન્ડર બહાર પાડી અંદાજીત 91,00,000ના શુઝની ખરીદી કરવામાં આવી હતી. આ ટેન્ડર પ્રક્રિયામાં કુલ 20 પાર્ટીએ ભાગ લીધેલ હતો. પરંતુ રાજકોટ રેલવે ડિવિઝનના સ્ટોર વિભાગના એક ઉચ્ચ અધિકારીએ આ 20 પાર્ટીમાંથી 18 પાર્ટીને ડિસ્ક્વોલિફાઈ કરી પોતાની સેટ કરેલી માત્ર બે જ પાર્ટીને ક્વોલિફાઈ કરી અને તેમની સાથે સાંઠગાંઠ કરી તેમને જ ઓર્ડર આપવાનું ખુલ્યું છે.
શુઝ ખરીદી કૌભાંડમાં રેલવેમાં જ કામ કરતા અને આ ઉચ્ચ અધિકારીના ખુબ જ નિકટના ગણાતા એવા સિંહ રાશિના એક વ્યક્તિ દ્વારા આ સમગ્ર કૌભાંડનો દોરીસંચાર કરાઈ રહ્યો હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળે છે. જે શુઝની ત્રણ – ત્રણ વાર ખરીદી કરવામાં આવી છે તે શુઝની માર્કેટ વેલ્યુ રૃપિયા 950/- છે. જ્યારે પોતાની સેટ કરેલી પાર્ટીને આ ઓર્ડર 1300/- પ્રતિ શુઝ લેખે આપવામાં આવ્યો છે અને આવા કુલ 91,00,000ના શુઝની ખરીદી કરવામાં આવી છે. એક શુઝ પર 350 રૃપિયા વધારે ચૂકવીને રેલવેને મસમોટી ખોટ કરાવતા આવા સરકારી બાબુઓ પોતાના ઘર ભરવામાંથી જ ઊંચા આવતા નથી અને સરકારને લાખો રૃપિયાનો બટ્ટો લગાવી રહ્યા છે.
વાત અહીંથી અટકતી નથી, જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરી પોતાની જ પાર્ટીને જ ઓર્ડર આપવાનો કિમીયો આ પેધી ગયેલા સરકારી બાબુઓ દ્વારા અગાઉ પણ ઉપયોગમાં લેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો આ અંગેની પારદર્શક તપાસ ઉચ્ચ સ્તરેથી કરવામાં આવે તો ઘણા સરકારી બાબુઓના ધોતીયા ભીના થઈ જાય તેમ છે. રેલવે દ્વારા દર મહિને અંદાજીત 50 થી 70 લાખ રૃપિયાની ખરીદી કરવામાં આવતી હોય છે અને આ 50 થી 70 લાખ જેવી મસમોટી રકમમાંથી 25 થી 30 ટકા રકમ આ સરકારી બાબુઓ ચાંઉ કરી જતા હોવાનું ગોપનીય સૂત્રોમાંથી જાણવા મળે છે.
રેલવે તંત્રમાં ચાલતા આવા મસમોટા કૌભાંડની યોગ્ય તપાસ કરવી હવે જરૃરી બની છે અને આવા પેધી ગયેલા સરકારી બાબુઓની સામે લાલ આંખ કરી તેમને પાઠ ભણાવવાની માંગ ઉઠી રહી છે.