ખાસ-ખબર સંવાદદાતા
મોનસૂન પહેલા ધોધમાર વરસાદેથી મુંબઈની રફતાર પર બ્રેક લાગી છે.
ગઈ રાત્રે મુંબઈના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા. ખાસ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસાના વિધિવત આગમન પહેલાના આ પ્રિમોન્સૂન વરસાદે મુંબઈના લોકોને રાહત આપી છે.
મુંબઈના દહીસર, બોરીવલી, કાંદીવલી, મલાડ, ઘાટકોપર, વિદ્યાવિહાર, વિક્રોલી મુલુન્ડમાં વરસાદ પડ્યો. સાંજે અચાનક શરૂ થયેલા વરસાદને પગલે લોકલ સેવા પણ પ્રભાવીત થઈ. તો રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હવામાન વિભાગના મતે ચોમાસુ બે દિવસમાં મહારાષ્ટ્રમાં પહોંચશે.
- Advertisement -
રાજ્યમાં 8 જિલ્લામાં આજે હળવા વરસાદની આગાહી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના બે સહિત રાજયના આઠ જિલ્લાઓમાં આજે અને 1ર જિલ્લાઓમાં આવતીકાલે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. 30 થી 40 કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યકત કરવામાં આવી હોય માછીમારોને પણ દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. રાજકોટ સહીતના શહેરોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સવારના સમયે આકાશમાં વાદળોમાં જમાવડો જામે છે. ગુરુવારે સૌરાષ્ટ્રમાં એક પણ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. રાજયમાં પ્રિ-મોનસુન એકિટવીટીની અસર તળે છેલ્લા એક સપ્તાહથી છુટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લામા અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે જો કે ગઇકાલે મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જીલ્લામાં વરસાદ વરસી શકે છે.