ને પ્રેમની વાતો કરી પણ પ્રેમને સમજ્યો નહીં,
તો છોડ તારું કામ નહીં, કલ્પન સુઘી તો જા
- Advertisement -
વ્હાલી જિંદગી,
તારી આંખમાં ઊગતા કૌતુકને પ્રણામ, તારી છાતીમાં મહોરતા સઘળા ટહુકાઓને વહાલ અને તારી નજરમાં ઘેરાતા નશાને ચૂંબનોનો વરસાદ. તું મને ખૂબ ગમે છે. એ હદે ગમે છે કે મારે સૂરજના અજવાળાનું પણ કામ નથી, કારણ કે તારા પ્રેમથી મારી ભીતર પ્રકાશ ફૂટે છે જે મને આખી દુનિયા જોવા માટે પૂરતો છે. ચંદ્રની શીતળતાથી પણ વધારે તારી કોમળ કાયામાં મારે લાગણીના ચાસ પાડી ત્યાં સ્નેહના અમરતફળ વાવવા છે. તારી નજરમાં મારે હંમેશા ઉન્નત સ્થાન પર રહેવું છે. મારા પગમાં ઝૂકીને મારે સમયને બાંધી રાખવો છે. તારા વાળની લટોમાં સમૂળગા પરવાઈ જઈ હેતનો માળો ગૂંથી વહાલપની હૂંફ આપવી છે. જેમ પક્ષી પોતાનું ઈંડું સેવે એમ મારે તને સેવવી છે… મારે તને લયબદ્ધતાથી ગણગણવી છે… મારે તને એકડેએકથી ગણવી છે… ભર્યા ભર્યા જીવતરરૂપી ખેતરમાંથી લણવી છે…
ખુશ રહેવાના કારણો શોધતો માણસ ક્યારેય સુખી કે ખુશ ના હોઈ શકે, એ કારણ કે ખુશી અને હરખ તો હૈયાના હિંલ્લોળામાંથી ઉભરાઈ ઉભરાઈને બહાર આવતા હોય છે. તું ક્ષમાનો ધોધ છે. જેના હાથમાં ક્ષમાની તલવાર હોય એનું કોઈ કશું જ ના બગાડી શકે. જિંદગી! તું મારા આત્માનું સૂક્ત છે. તું મારા જીવનનો નમણો ચમત્કાર છે. હું ક્ષણે ક્ષણે તારામાં ગતિ કરું છું એ ગતિથી મને જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ મળે છે. હું તારા સૌંદર્યની કદર કરનારો કદરદાન છું. તારા હૃદયની વિશાળતાને મારા મસ્તક પર ચડાવી, તારા પ્રેમને મારા હૈયામાં ભરું છું. તું વૈશાખી બપોરનું મૌન થઈ જાય ત્યારે હું અષાઢ બની વરસું છું. તારી આંખોમાં પોષની શીતળતા અને ઉનાળાની ઉષ્ણતા છવાઈ જાય ત્યારે મારી આંખો શ્રાવણ બની છલકાઈ જાય છે. તું મારા અંધારીયા આયખાને ઉજાળનાર પૂનમનો પ્રકાશ છે.
- Advertisement -
જિંદગી હું તને ખૂબ જ પ્રેમ કરું છું કારણકે હું મારા હૈયાને કાયમ પ્રેમ નીતરતું રાખવા માગું છું. તો તને ચાહવાથી જ હું જીવી શકું છું. મને સહેજ પણ અભાવ નથી. જીવન ટકાવી રાખવા માટે માણસ ભોજનનો સહારો લે છે એવી જ રીતે હું મારું અસ્તિત્વ ટકાવી રાખવા તને ભરપૂર પ્રેમ કરું છું. તું મારી તૃપ્તિનો ઓડકાર છે… તું મારા દરેક રોગનું દમન કરનારી અમર ઔષધિ છે… તુ મારા શરીરનું પ્રોટીન છે અને હૈયાનું વિટામિન છે… તું મારા રંગસૂત્રોમાં ભળી ગયેલો પ્રવાહ છે. એટલે જ તારી દરેક વાતનું, તારા દરેક વર્તનનું મારે મન ખૂબ જ આગવું મહત્વ છે. સઘળા વાતાવરણની માદકતા અને મોહકતા મને તારા આગમનની એંધાણી આપે છે. તું મારી આસપાસ ટોળે વળે છે ત્યારે મારામાંથી હજારો પ્રેમવૃક્ષના કોંટા ફૂટી મને ઘેરી વળે છે. તારો વિયોગ મારા રુંવે રુંવે પ્રજળી ઊઠી મને અત્યંત પીડા આપી જાય છે. જિંદગી! તું મારો એ અહેસાસ છે જેને વારંવાર વાગોળવો ગમે, જેની આસપાસ પ્રદક્ષિણા કરી ઓળઘોળ થઈ જવાય. તારા પગના અંગૂઠામાં મારું વિસ્મય સમાયેલું છે. તારી છાતીમાં મારો પ્રેમ આળોટીને ઊભો થાય છે. તને સતત ચાહતો…જીવ..
(શીર્ષકપંક્તિ:- વર્ષા પ્રજાપતિ ’ઝરમર’)