5 વર્ષમાં સિવિલના ગાયનેક વિભાગે એક પછી એક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા
નવી બિલ્ડિંગ બન્યા બાદ એક જ વર્ષમાં બે વિક્રમ તૂટ્યા
પહેલા 858 અને ત્યરબાદ ઓગસ્ટના છેલ્લા દિવસે કુલ આંક 1000 પર પહોંચ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ઝનાના હોસ્પિટલે એક જ વર્ષમાં બે બે રેકોર્ડ તોડીને ઓગસ્ટ માસમાં એક માસમાં 1000 પ્રસૂતિ કરવાનો સૌથી મોટો વિક્રમ નોંધવામાં આવ્યો છે. ગાયનેક વિભાગના વડા ડો.કમલ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ઝનાના હોસ્પિટલમાં મહિનાની સરેરાશ 625 પ્રસૂતિઓ થતી આવી છે અને છેલ્લા ઘણા સમયથી તેમાં ક્રમશ: વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળામાં પ્રસૂતિની સંખ્યા વધારે રહેતી હોય છે. આ પહેલા એક જ માસમાં 850 પ્રસૂતિનો રેકોર્ડ નોંધાયો હતો. જોકે તે આ જ વર્ષે જૂન માસમાં 757 બાદ જુલાઈમાં 867 પ્રસૂતિ થતા રેકોર્ડ તૂટ્યો હતો. જોકે ઓગસ્ટ માસના ત્રીજા સપ્તાહમાં આ રેકોર્ડ પણ તૂટીને 900ને પાર થયો હતો. છેલ્લા 7 દિવસમાં બીજી 100 પ્રસૂતિ થતા 31 ઓગસ્ટની રાત્રી સુધીમાં 1000 પ્રસૂતિનો વિક્રમજનક આંક હાંસલ થયો છે. જેને લઈને સમગ્ર ગાયનેક વિભાગમાં ભારે જુસ્સો જોવા મળ્યો છે. અમારા જાણ મુજબ અમદાવાદ, બરોડા અને સુરતમાં દર મહિને 850ની આસપાસ પ્રસૂતિઓ નોંધાય છે જોકે 1000નો આંક રાજકોટ સિવિલ હોસ્પિટલે પ્રાપ્ત કર્યો છે.
નવી બિલ્ડિંગ બન્યા બાદ સ્ટાફની સંખ્યામાં વધારો થયો છે તેમજ અત્યાધુનિક ઉપકરણો પણ સરકારની ગ્રાન્ટમાંથી આવ્યા છે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું હોવાથી હવે સ્ટાફ પણ સારી રીતે કામ કરી રહ્યો છે આ કારણે દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે. જે 1000 પ્રસૂતિનો રેકોર્ડ છે તે પણ ટૂંક સમયમાં તૂટી જશે તેવી આશા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો જણાવી રહ્યા છે.
બાળકો અને સ્ત્રી હૉસ્પિટલ એક છત્ર હેઠળ આવતા ક્ષમતા 4 ગણી વધી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોનો વિભાગ અને ગાયનેક વિભાગ સૌથી આગળ પડતો રહ્યો છે. નવી બિલ્ડિંગમાં આ બંને વિભાગને ભેગા કરીને મેટરનરી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ (ખઈઇં) શરૂ કરાઈ છે. જેનાથી આ હોસ્પિટલ ગુજરાતની 11 માળની સૌથી ઊંચી એમસીએચ બની ગઈ છે. પહેલા ગાયનેક વિભાગમાં કુલ બેડની ક્ષમતા 250 હતી જ્યારે નવી બિલ્ડિંગમાં ફક્ત પ્રસૂતિ વિભાગની ક્ષમતા જ 500 બેડની થઈ છે. આ સિવાય બાળકોની હોસ્પિટલમાં એનઆઈસીયુ, મિલ્ક બેંક, લેબ બધું જ એક જ છત્ર હેઠળ આવી જતા હવે માતા અને બાળકોને અલગ અલગ બિલ્ડિંગમાં રાખવામાંથી મુક્તિ મળી છે.
- Advertisement -
ICU જેવો નવો HCU વિભાગ શરૂ કરાયો દરેક હોસ્પિટલમાં ઈમર્જન્સી ક્રિટિકલ કેરની સુવિધા રખાય છે પણ નવી ઝનાનામાં હવે એચડીયુ એટલે કે હાઈ ડિપેન્ડેન્સી કેર યુનિટ છે. એવા દર્દીઓ કે જેમની હાલત ગંભીર છે તેમને આઈસીયુમાં રખાય છે અન્ય દર્દીઓને જનરલ વોર્ડમાં રાખવામાં આવે છે. જોકે એવા પણ દર્દીઓ હોય છે કે જેમને આઈસીયુમાં રાખવાની જરૂર નથી પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. તેવા દર્દીઓને એચડીયુમાં રાખવામાં આવે છે.