જીમ એફ્રો ટી-10 લીગમાં જૉબર્ગ બફેલોઝ ટીમને પહોંચાડી ફાઈનલમાં: છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી’ને પઠાણે ચોગ્ગા-છગ્ગા ફટકારી બનાવી લીધા
વિસ્ફોટક ઑલરાઉન્ડર યુસુફ પઠાણનું ભારતીય ટીમ માટે કરિયર વધુ લાંબું ચાલ્યું નથી. 2007 ટી-20 વર્લ્ડકપ અને 2011 વન-ડે વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો રહેલા યુસુફે 2012 બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની તક મળી નથી. ક્રિકેટમાંથી સંન્યાસ બાદ હવે તે દુનિયાની અલગ-અલગ લીગમાં રમતો જોવા મળી રહ્યો છે. યુસુફ પઠાણ અતરે જીમ એફ્રો ટી-10 લીગ રમી રહ્યો છે.
- Advertisement -
જે જૉબર્ગ બફેલોઝ ટીમનો હિસ્સો છે. ટૂર્નામેન્ટના પ્રથમ ક્વોલિફાયર મુકાબલામાં યુસુફે રીતસરનું તોફાન લાવી દીધું હતું. તેણે માત્ર 26 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી મતલબ કે તેનો સ્ટ્રાઈક રેટ 307.69નો રહ્યો છે. આ અણનમ ઈનિંગ દરમિયાન યુસુફના બેટમાંથી ચાર ચોગ્ગા અને નવ છગ્ગા નીકળ્યા હતા. તેની ઈનિંગે બફેલોઝને ટૂર્નામેન્ટના ફાઈનલ મુકાબલામાં પહોંચાડી છે.
જૉબર્ગ બફેલોઝ સામે ડરબન કલન્દર્સની ટીમ હતી. અંતિમ ઓવરમાં જૉબર્ગને જીત માટે 21 રનની જરૂર હતી. ક્રિઝ ઉપર યુસુફ પઠાણની સાથે બાંગ્લાદેશનો મુશ્ફિકુર રહીમ હતો. તેણે પહેલા બોલે લેગ બાયમાં એક રન લીધો હતો જેથી સ્ટ્રાઈક પર યુસુફ આવ્યો હતો. તેંદઈ ચતારા વિરુદ્ધ પઠાણે બીજા બોલે છગ્ગો માર્યો હતો. આ પછી ત્રીજા બોલે ચોગ્ગો, ચોથા બોલે છગ્ગો અને પાંચમા બોલે ચોગ્ગો મારીને પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી હતી.
આ ઈનિંગ દરમિયાન યુસુફ પઠાણે પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરને બેફામ ધોયો હતો. આઠમી ઓવરમાં આમીર વિરુદ્ધ તેણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો લગાવ્યો હતો તો બે રન દોડીને પણ લીધા હતા. આમીરે એક વાઈડ પણ ફેંક્યો હતો જેના કારણે તેની એક ઓવરમાં 25 રન આવ્યા હતા. આ મેચમાં આમીરે બે ઓવરમાં 42 રન આપ્યા હતા.
- Advertisement -